દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, PSI સહિત 3 યુવાનોનાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, PSI સહિત 3 યુવાનોનાં મોત

ભરૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કાર આગળ જઈ રહેલા આઈસરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા. મૃતકોમાં વડોદરા ડીસીબી (DCB) બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)નો પણ સમાવેશ થાય છે.

 મળતી માહીતી અનુસાર, વડોદરા ડીસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ યશ પટેલ તેમજ તેમના અન્ય મિત્રો એક મિત્રને મળવા માટે ભરૂચ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તેની કાર આગળ ચાલતા આઈસર ટેમ્પા પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પાછળથી અન્ય વાહનની પણ અડફેટે ચડી ગઈ હતી અને કાર પલટી મારીને રોડ પર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.

આ ગંભીર અકસ્માતમાં વડોદરા ડીસીબી બ્રાન્ચના પીએસઆઈ યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માત સર્જાયા બાદ આઈસરચાલક પોતાનું વાહન ઘટનાસ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર આઈરસચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...