અડાલજ નજીક કાર પલટી, ગરબા રમીને આવતી બે યુવતી સહિત 3ના મોત

અડાલજ નજીક કાર પલટી, ગરબા રમીને આવતી બે યુવતી સહિત 3ના મોત

ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક દશેરા (20મી ઓક્ટોબર)ની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરમાં ગરબા રમીને અમદાવાદ પરત ફરી રહેલા ચાર યુવામિત્રોની કાર અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર MBBSની છાત્રા સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા, જ્યારે એક યુવકની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, કારમાં બે યુવકો અને બે યુવતીઓ સવાર હતા. તમામ યુવામિત્રો ગાંધીનગરમાં નવરાત્રિના ગરબા રમીને વહેલી સવારે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અડાલજ રોડ પર મહારાજા હોટેલ નજીક પહોંચતાં જ કારચાલક યુવકે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરઝડપે જઈ રહેલી બેકાબૂ કાર ધડાકા સાથે રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાં સવાર એક યુવક અને એક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટના બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અન્ય ઇજાગ્રસ્ત યુવક-યુવતીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જોકે, કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવતીએ પણ દમ તોડી દેતાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. જ્યારે ચોથા યુવકની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે. મૃતકો પૈકી 25 વર્ષીય આસ્થા મૂળ રાજકોટની વતની હતી અને અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અન્ય બે મૃતકોની ઓળખ છતી કરવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...