ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ IIT બોમ્બેના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ IIT બોમ્બેના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

દેશની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી સંસ્થા આઈઆઈટી (IIT) બોમ્બેમાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા 19 વર્ષીય દ્વિતીય વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જીવનનો અંત આણી દીધો હતો. મૃતક વિદ્યાર્થીની ઓળખ સાહિલ વાકોડે તરીકે થઈ છે. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન દ્વારા AI ટૂલ ચેટજીપીટીનો ઉપયોગ કરવાના મામલા બાદ આ પગલું ભરવામાં આવતા શૈક્ષણિક જગતમાં હલચલ મચી ગઈ હતી. ઘટનાના વિરોધમાં કેમ્પસમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે દિવસ દરમિયાન ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સાહિલ વાકોડેને પરીક્ષા હોલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ પરીક્ષાનો પ્રશ્નપત્ર ચેટજીપીટી પર અપલોડ કરીને તેના જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંસ્થા અને વિભાગીય વડા દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઇન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી અને તેને સમજાવ્યું હતું કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ પણ માઠી અસર પડશે નહીં.

વિદ્યાર્થીના મૃત્યુના સમાચાર ફેલાતા જ આઈઆઈટી બોમ્બેના કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે અંદાજે 10:30 વાગ્યા સુધી 400 થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાની મુખ્ય ઇમારત પાસે એકઠા થઈ ગયા હતા અને વહીવટીતંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિની ગંભીરતા જોતાં આઈઆઈટી બોમ્બેના ડિરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારે વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા હતા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે બેઠક કર્યા બાદ તેમને કન્વોકેશન હોલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને તણાવને ધ્યાનમાં રાખીને સંસ્થાએ ચાલુ મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...