શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ રહેલા રાજકોટના શ્રદ્ધાળુઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચાઈના સરકાર તરફથી પરમિટ આપવાનો ક્વોટા પૂરો થઈ જવાના કારણે રાજકોટના યાત્રિકોની આ યાત્રા મોકૂફ રાખવી પડી હતી. આ 14 દિવસીય યાત્રાનું આયોજન ડૉ. યશવંત ગોસ્વામીના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ સહિત 125 યાત્રિકોનો સમૂહ સામેલ હતો. તમામ યાત્રિકો અમદાવાદથી કાઠમંડુ ફ્લાઈટ દ્વારા પહોંચ્યા હતા અને ગત તા. 23 ઓગષ્ટની આસપાસ આગળ રવાના થઈને કેરુમ પહોંચવાના હતા. પરંતુ પરમિટની મંજૂરી ન મળતા યાત્રા સ્થગિત કરવી પડી હતી.
યાત્રા મોકૂફ રહ્યાના થોડા જ સમયમાં એક ભયાનક દૂર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. નેપાળ અને ચાઈનાને જોડતા બ્રિજ પાસે આવેલા કેરુમ નજીક આજે સાંજે 4 વાગ્યે વાદળ ફાટવાની ઘટના બની હતી. નેપાળ સ્થિત યાત્રિકોના પરિચિતો દ્વારા મળેલી વિગતો અનુસાર, ગયા વર્ષે જે સ્થળે વાદળ ફાટવાથી જળ હોનારત સર્જાઈ હતી, ત્યાં જ આ વર્ષે ફરી ઘટનાનું પુનરાવર્તન થયું હતું. ચાઈના સરકાર દ્વારા બનાવવામાં આવેલા પુલ નજીક ચારેય બાજુ પૂરના પાણી ફરી વળ્યા હતા, જેમાં સંખ્યાબંધ યાત્રિકો પૂરના પાણીમાં તણાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટના યાત્રિકો જે સ્થળે પહોંચવાના હતા, બરાબર ત્યાં જ આ જળપ્રલયની દૂર્ઘટના ઘટી હતી. જો પરમિટ મળી ગઈ હોત તો આ તમામ યાત્રિકો હોનારતની ઝપેટમાં આવી શક્યા હોત. જ્યારે યાત્રિકોને આ જળ હોનારત વિશે જાણ થઈ, ત્યારે તેઓએ ભગવાન ભોળાનાથને યાદ કરી ભારે રાહત અનુભવી હતી. યાત્રા રદ થવાને કારણે જળ હોનારતમાંથી સદ્નસીબે ઉગરી ગયેલા રાજકોટના તમામ યાત્રિકોએ એકસુરે શ્રદ્ધાપૂર્વક લાગણી વ્યક્ત કરી હતી કે દેવાધિદેવ મહાદેવની કૃપાથી જ આજે તેમનો અદ્ભુત બચાવ થયો છે.
