કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા

કેરલમના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવર્તન નિદેશાલયે (ED) કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા પિનારાઈ વિજયન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. EDની આ મેગા એક્શન તેમની દીકરી વીણા વિજયનની આઈટી ફર્મ એક્સાલોજિક સોલ્યુશન્સ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની અલગ-અલગ ટીમો આજે સવારથી જ પૂર્વ મુખ્યપ્રમુખ સાથે જોડાયેલા પરિસરો પર સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂર્વ સીએમના નિવાસસ્થાન સહિત કુલ 10 સ્થળો પર હાલ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) અને વીણા વિજયનની કંપની વચ્ચેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે.

નોંધનીય છે કે આ દરોડા મંગળવારે (26 મે) કેરલમ હાઈકોર્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયના બીજા જ દિવસે પડ્યા છે. હાઈકોર્ટે CMRL અને વીણા વિજયનની કંપની વચ્ચેના આ શંકાસ્પદ વ્યવહારોમાં EDની મની લોન્ડરિંગ તપાસ પર સ્ટે આપવાની માંગ કરતી અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. કોર્ટ તરફથી લીલી ઝંડી મળતા જ ED એ આ આક્રમક પગલું ભર્યું છે.

વર્ષ 2019ની તપાસમાં આ સમગ્ર વિવાદની શરૂઆત 2019 માં થઈ હતી, જ્યારે આવકવેરા વિભાગે CMRL કંપની પર દરોડા પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે CMRL કંપનીએ 2017થી 2019 દરમિયાન વીણા વિજયનની કંપની એક્સાલોજિક સોલ્યુશન્સને 1.72 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપ છે કે આ ખર્ચ કોઈપણ સોફ્ટવેર કે આઈટી સર્વિસ આપ્યા વગર જ માત્ર નકલી ખર્ચ તરીકે બતાવવામાં આવ્યો હતો. આ ખુલાસો થયા બાદ EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી.

CMRLના મેનેજિંગ ડિરેક્ટર એસ.એન. શશિધરન કાર્થા અને અન્ય ટોચના અધિકારીઓએ કેરલમ હાઈકોર્ટમાં અરજી કરીને ED દ્વારા દાખલ કરાયેલી ECIR અને સમન્સને રદ કરવા માંગ કરી હતી. તેમની મુખ્ય દલીલો હતી કે, આ મામલામાં PMLA હેઠળ કોઈ ગુનો બનતો નથી. કેન્દ્ર સરકારની ગંભીર નાણા વિરોધી છેતરપિંડી તપાસ કચેરી (SFIO) ઓલરેડી આની તપાસ કરી રહી છે, તેથી EDની દખલ બિનજરૂરી છે. 

જસ્ટિસ ટી.આર. રવિની બેન્ચે આ તમામ દલીલોને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે EDને કોઈપણ ઔપચારિક FIR વિના પણ પૂછપરછ કરવાનો અને સમન્સ જારી કરવાનો પૂરો અધિકાર છે. અદાલતે એમ પણ માન્યું કે SFIO અને ED બંને એજન્સીઓની તપાસનો વ્યાપ અને હેતુ તદ્દન અલગ-અલગ છે. આ હાઈકોર્ટના ચુકાદા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને તેમના પરિવારની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...