ભારતે સેશેલ્સને છ એમ્બ્યુલન્સ, 10 યુટિલિટી વાહન અને પાંચ લેઝર રેડિયલ નૌકાઓ પણ ભેટમાં આપ્યા વિક્ટોરિયા : હિન્દ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા અને સહયોગને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસે સેશેલ્સ પહોંચ્યા છે, જ્યાં તેમણે મેડ ઈન ઈન્ડિયા ફાસ્ટ પેટ્રોલ યુદ્ધ જહાજ (એફપીવી) પીએસ લેસ્પવાર સેશલ્સને સોંપ્યું હતું. પીએમ મોદી સેશેલ્સના ૫૦મા સ્વતંત્રતા દિવસની ઊજવણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે. સેશેલ્સમાં શનિવારે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
વિક્ટોરિયા સ્થિત કોસ્ટ ગાર્ડ બેઝ પર આયોજિત સમારંભમાં પીએમ મોદી અને સેશેલ્સના પ્રમુખ પૈટ્રિક હર્મિનીએ યુદ્ધ જહાજના ઔપચારિક હસ્તાંતરણમાં ભાગ લીધો હતો. ભારતમાં બનેલા ફાસ્ટ પેટ્રોલ વેસેલ પીએસ લેસ્પવાર ઉપરાંત ભારતે સેશેલ્સને છ એમ્બ્યુલન્સ, ૧૦ યુટિલિટી વાહન અને પાંચ લેઝર રેડિયલ નૌકાઓ પણ ભેટમાં આપી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મદદ સેશેલ્સના વિકાસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરક્ષા માળખાને સશક્ત બનાવવામાં મદદ કરશે. આ સિવાય મેડ ઈન ઈન્ડિયા એફપીવી પીએસ લેસ્પવાર સેશેલ્સની સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવાની સાથે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં બંને દેશના સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવશે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે, સેશેલ્સ હિન્દ મહાસાગરમાં ભારતનું મહત્વનું મેરીટાઈમ પાર્ટનર અને ગાઢ મિત્ર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને સેશેલ્સ વિઝન મહાસાગર હેઠળ સમુદ્રી સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
આ પહેલા સેશેલ્સ પહોંચતા પીએમ મોદીનું ભારતીય મૂળના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ભારતીય સમુદાયે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા, જેમાં કચ્છનું પારંપરિક નૃત્ય, ભરતનાટયમ, ભગવાન રામને સમર્પિત ભજન અને શિવ તાંડવ સ્તોત્રની પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. સાથે સેશેલ્સની ત્રણ દિવસની મુલાકાતના પહેલા દિવસે પીએમ મોદીએ બોટનિકલ ગાર્ડનની મુલાકાત કરી હતી.
પીએમ મોદી અને પ્રમુખ હર્મિનીએ સેશેલ્સના નેશનલ બોટનિકલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું અને વિશાળ કાચબાઓના સંરક્ષણ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. ભારત લાંબા સમયથી સેશેલ્સનું વિશ્વનીય સંરક્ષણ ભાગીદાર રહ્યું છે. પેટ્રોલિંગ જહાજ, વિમાન, તાલિમ અને સુરક્ષા સહયોગના માધ્યમથી ભારત સતત સેશેલ્સની સમુદ્રી સુરક્ષા ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે.
