કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ…

Latest News અપરાધ આરોગ્ય કાયદો

પેટલાદના ચાંગા ગામમાં કમળાના ૨૧ કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ૭,૨૭૮ની વસતી ધરાવતા ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરિયું ફળિયું, જનતા કોલોની સહિતના વિસ્તારમાં ૧,૨૨૮ લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં છે. ત્યારે તંત્રની ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે. ક્લોરિન ટેબલેટ અને ઓઆરએસનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી મળેલા ૧૧ પૈકી હજૂ ૪ લિકેજ રિપેર કરવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાએ પગપેસારો કર્યો છે. ત્યારે જિલ્લા આરઆરટી ટીમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ એપેડેમિક મેડિકલ ઓફિસર તથા પેટલાદ તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો દોડતી થઈ છે. આજે ચાંગાના અસરગ્રસ્ત વિસ્તાર વ્હોરવાડ, માતરીયું ફળિયું, જનતા કોલોની વિગેરે સ્થળોએ મુલાકાત લઈ ચાંગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની ટીમોને રોગચાળો અટકાવવા તેમજ પીવાના પાણીની પાઈપલાઈન લિકેજ તાત્કાલિક રિપેર કરવા ગ્રામ પંચાયતને સૂચના અપાઈ હતી. પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં ૭૨૭૮ની વસ્તી છે. જે પૈકી કમળાના રોગચાળા અંતર્ગત ૧,૨૨૮ અસરગ્રસ્ત વસ્તી છે.

ત્યારે ચાંગા ગામમાં બે મેડિકલ ઓફિસર, ૨૪ પેરા મેડિકલ સ્ટાફ સહિત ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો. ચાંગા ગામના વ્હોરવાડ, માતરીયુ ફળિયું, જનતા કોલોની જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આજે ૨૧ કમળાના કેસ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ટીમો દ્વારા ૧૫૫૨ ક્લોરીન ટેબલેટ અને ૩૯ ઓઆરએસ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.  ગામમાંથી પાણીના પાઈપ લાઈનમાં ૧૧ લિકેજ મળી આવ્યા હતા જેમાંથી ૭ લિકેજ રિપેર કરી હજુ ૪ લિકેજ બાકી હોવાનું જાણવા મળ્યું છે.

કમળાના રોગચાળા દરમ્યાન કમળાના લક્ષણો દેખાય તો તરત જ ર્ડાક્ટરનો સંપર્ક કરી રોગનું નિદાન કરાવી સારવાર શરૂ કરવા, શરીરને આરામ આપવો જરૂરી હોવાથી વધારે પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવી, શરીરમાંથી ઝેરી તત્વો દુર થાય તે માટે પુષ્કળ પાણી પીવું, પાચનક્રિયા ઉપર ઓછો ભાર આવે તેવો ખોરાક, બાફેલા શાકભાજી, ફળો અને સુપ આરોગવા, ખોરાક હંમેશા ગરમ અને તાજો ખાવો, બહારનો વાસી ખોરાક ન ખાવા અને હાથ ધોવા તેમજ સ્વચ્છ પાણી પીવા ઉપરાંત ઉકાળેલું પાણી પીવા સહિત ઘરની આસપાસ સફાઈ રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે.

જાતે કોઈપણ પ્રકારનો ઈલાજ ન કરવા, તૈલી અને મસાલેદાર ખોરાક ટાળવા, દારૂ અને ધૂમ્રપાન ન કરવા, જાહેર સ્થળોએ ભીડમાં ન જવા અને વારંવાર મુસાફરી કરવાનું ટાળવા તાકીદ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *