જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ શહેરના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલી અબજોની સરકારી જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ મેગા ઓપરેશન દરમિયાન અંદાજે રૂા.૪૫ કરોડની બજાર કિંમત ધરાવતી ૧,૨૦,૦૦૦ ચોરસ ફૂટ જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.
હાપા વિસ્તારમાં આવેલી આ સરકારી જમીન ખરેખર શહેરી ગરીબો માટેના આવાસ બનાવવાના હેતુથી ફાળવવામાં આવી હતી. જોકે, આ કિંમતી જમીન પર છેલ્લા કેટલાક સમયથી ૧૬ જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. અહીં રહેણાંકને બદલે મોટા પાયે વ્યાપારી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જેમાં મોટા ગેરેજ અને હાઈ-ટેક વર્કશોપ, ભંગારના વિરાટ વાડાઓ, ટાઈલ્સ સ્ટોરેજ માટેના પ્લોટ, અન્ય કોમશયલ શેડ અને બાંધકામો ખડકાઈ ગયા હતા. જેથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ ૧૬ આસામીઓને કાયદેસરની નોટિસ પાઠવીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી હતી. પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં દબાણો યથાવત રહેતા આજે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું.
સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ કાર્યવાહીમાં તમામ ૧૬ આસામીઓના કાચા-પાકા બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે, તેમ મનપા અધિકારીએ જણાવ્યું હતું.
આજની આ કામગીરી કોઈ યુદ્ધના મોરચાથી ઓછી નહોતી. સવારે ૮ વાગ્યાથી જ મનપાના કાફલાએ ધામા નાખ્યા હતા. આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિક્યુરિટી ઓફિસર અનવર ગજજણના નેતૃત્વમાં એસ્ટેટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્લમ વિભાગ, ટીપીડીપી અને લાઈટ શાખાના અંદાજે ૧૦૦ જેટલા કર્મચારીઓ તૈનાત હતા. દબાણ તોડવા માટે ૬ જેસીબી, હિટાચી મશીન, ૬ ટ્રેક્ટર અને ટ્રેક્ટર-ટ્રોલી સહિતના સાધનોનો ખડકલો કરવામાં આવ્યો હતો અને ડિમોલિશન કરાયું હતું.
