આઠ તાલુકામાંથી બે તાલુકાના પ્રમુખ નક્કી,બાકીનાની પેનલ તૈયારઃજિ.પં.માં હોદ્દા માટે દોડધામ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.જેમાં આઠ તાલુકામાંથી બે તાલુકા પંચાયતના પ્રમુખ અનામત બેઠકને કારણે નક્કી થઇ ગયા છે.

વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચારમાંથી ત્રણ નગર પાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન,પક્ષના નેતા અને દંડક જેવા હોદ્દાઓ માટે ભાજપના નિરીક્ષકોએ આજે જિલ્લા કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા કરી હતી.જેમાં આજે પહેલા દિવસે આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાના હોદ્દાઓ માટે સેન્સ લેવાયા હતા.

આ પૈકી ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ડભોઇની ઓબીસી મહિલા અનામત બેઠક પરથી વિજેતા બનેલા ભીખીબેન રબારી અને શિનોર તાલુકા પંચાયતમાં એસસી મહિલા અનામત બેઠક પર ચૂંટાયેલા હિનાબેન રોહિત સામે બીજા કોઇ ઉમેદવાર નહિ હોવાથી બંનેના નામ નક્કી છે.આવતીકાલે સંકલનની મીટિંગ બાદ ત્રણ નામોની પેનલમાંથી પાર્લામેન્ટરી બોર્ડ નામ નક્કી કરશે.

આવતીકાલે વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દાઓ માટે આખો દિવસ સેન્સ લેવાશે.જેમાં પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા માટે ચાર નામોમાંથી એકની પસંદગી થશે. જ્યારે, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે દાવેદારો ધારાસભ્યો તેમજ ભાજપના અન્ય આગેવાનોનું શરણું લેવા દોડાદોડી કરી રહ્યા છે.

વડોદરા જિલ્લાની ડભોઇ નગર પાલિકા કોંગ્રેસે કબજે કર્યા બાદ સભ્યોને ખરીદવા માટેના કાવાદાવાના ભાજપના ખોફથી તેમને અજ્ઞાાત સ્થળે લઇ જવામાં આવ્યા છે.

ડભોઇ નગર પાલિકામાં કુલ ૩૬ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી.જેમાં કોંગ્રેસને ૨૧ બેઠકો અને  ભાજપને ૧૫ બેઠક મળી છે. જિલ્લામાં અગાઉ ભાજપ દ્વારા કોંગ્રેસ શાસિત પંચાયતોમાં ડખા ઉભા કરીને સત્તા હાંસલ કરવામાં આવી હોવાના બનાવો બન્યા હોવાથી ડભોઇ કોંગ્રેસના આગેવાનો એલર્ટ થઇ ગયા છે.

કોંગ્રેસના આગેવાનોએ ચૂંટાયેલા સભ્યોનો સંપર્ક ના થઇ શકે તે માટે મોટાભાગના સભ્યો ને અજ્ઞાાત સ્થળે મોકલી આપવામાં આવ્યા છે.જ્યારે પ્રમુખની ચૂંટણી જાહેર થશે ત્યારે તેમને સીધા સભાગૃહમાં લવાય તેવી શક્યતા છે. 

ભાજપની સેન્સ પ્રક્રિયા માત્ર દેખાવ પુરતી હોવાની ભાજપના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે તેવા સમયે ફરી એક વાર વડોદરા જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતાં અનેક કાર્યકરો તેને માત્ર નાટક હોવાનું માની રહ્યા છે.કાર્યકરોનું કહેવું છે કે જિલ્લાના હોદ્દેદારોના નામો પરિણામો આવ્યા ત્યારથી જ નક્કી થઇ ગયા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...