ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા

અમદાવાદ શહેરના એસ.જી. હાઈ વે પર આવેલા દેવાર્ક મોલ સહિત શહેરના ૧૦થી ૧૨ સ્થળે ચાલી રહેલા ઓસિયા હાયપર રિટેઈલ લિમિટેડના મોલમાં સપ્લાય આપનારા સેંકડો લોકોના રૃ. ૫૦થી ૧૦૦ કરોડ ડૂબી જવાની નોબત આવતાં રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.  ઓશિયાના માલિક ધીરેન્દ્ર ચોપરાએ સપ્લાયર્સને આપેલા પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન થવા માંડયા છે. અત્યાર સુધીમાં સેંકડો ચેક રિટર્ન થઈ ચૂક્યા છે.

બીજીતરફ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ ૨૮મી એપ્રિલે ઓસિયાના તમામ સ્ટોર્સની બહાર ઓસિયાના સ્ટોર્સની તમામ મિલકતો વચગાળાના રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના હાથમાં હોવાથી કોઈપણ લેણદારે તેમાં પ્રવેશ ન કરવો તેની જાણ કરતી નોટિસ ૨૮મી એપ્રિલે ઓસિયા માર્ટમાં લગાડી દેવામાં આવી છે. ઓસિયા હાયપર રિટેઈલ્સ લિમિટેડના દુબઈ અને અબુધાબીના મોલ-સ્ટોર્સ પણ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સપ્લાયર્સ દ્વારા કરવામાં આવતા ફોન ઓસિયા મોલના કોઈ જ પ્રમોટર ઉપાડતા નથી. તેમના સ્ટાફના તમામ સભ્યના ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા છે. તેમની ઓફિસોમાં અને મોલ્સમાં રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના માણસોને બેસાડી દેવામાં આવ્યા છે. જૂન-જુલાઈ ૨૦૨૫માં ખરીદી કર્યા પછી સપ્લાયર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને પેમેન્ટ આપવામાં ધાંધિયા ચાલુ થઈ ગયા હતા. પરિણામે સપ્ટેમ્બર ૨૦૨૫માં સપ્લાયર્સે ધીરેન્દ્ર ચોપરા સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં તેમણે ખાતરી આપી હતી કે ઓક્ટોબર નવેમ્બરમાં તેમની પાસે નવા ઇન્વેસ્ટર્સનું રૃ. ૬૫૦ કરોડથી વધુનું ફંડ આવવાનુ હોવાથી તેમને ડિસેમ્બર ૨૦૨૫માં પેમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં કંપનીમાં નવા પાર્ટનર જોડવાના હોવાનું તેમણે જણાવ્યુ હતું. પરિણામે પૈસા આવશે તેવી આશામાં પીડીસી ચેક લઈને તમામ સપ્લાયર્સ ચૂપ બેસી ગયા હતા. પરંતુ જાન્યુઆરીથી ચેક રિટર્ન થતાં ગંભીરતા વધવા માંડી હતી. 

ચેક રિટર્ન થવા માંડતા સપ્લાયરોએ હાથ ખેંચવા માંડયો તે વખતે ધીરેન્દ્ર ચોપરાએ વડોદરામાં અન્યની ભાગીદારીમાં કેશ એન્ડ કેરીના નામથી નવી કંપની ઊભી કરી આ કંપનીના માધ્યમથી મોલના સપ્લાયર્સ પાસે માલ લીધો હતો. ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનું કહેવું છે કે આજે એકલા અમદાવાદ એકત્રિત થયેલા દસથી બાર સપ્લાયર્સના રૃ. ૧૬ કરોડથી વધુ ડૂબી રહ્યા હોવાનો આંકડો બહાર આવી રહ્યો છે. સમગ્ર અમદાવાદના અને સમગ્ર ગુજરાતના સપ્લાયર્સના ફસાયેલા નાણાંની ગણતરી કરવામાં આવે તો રૃ. ૫૦થી ૧૦૦ કરોડનો થઈ જાય તેમ છે.

ઓસિયા હાયપર રિટેઈલ લિમિટેડ સામે માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈસ ફેસિલિટેશન કાઉન્સિલના ચેરમેન સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવેલી છે. ફરિયાદી શિવ ગ્લોબલ વેન્ચર્સના રૃ. ૯.૪૫ લાખ ફસાયેલા છે. વડોદરાની રાજ ટ્રેડ લિન્ક્સના સુરેશ શાહના રૃ. ૯૧.૯૬ લાખ ફસાયેલા છે. અમદાવાદની ભવાની ટ્રેડિંગ કંપનીના હિતેશ ઠક્કરના રૃ. ૨૫ લાખથી વધુ ફસાયેલા છે. હિતેશ ઠક્કરને એપ્રિલ ૨૦૨૫-૨૬માં તેમને આપેલા ૨૧ ચેક રિટર્ન થઈ ચૂક્યા છે. ધીરેન્દ્ર ચોપરાએ જે ખાતામાંથી ચેક આપ્યા છે તે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયા હોવાનું ઇન્ડિયન બેન્કની નારાયણ નગર રોડ બ્રાન્ચના ચેક રિટર્નના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે.

મેસર્સ એ. પટેલ એન્ડ કંપનીને એપ્રિલ ૨૦૨૬ની તારીખોના આપેલા પાંચ ચેકમાંથી ચાર ચેક અનપેઈડ રિટર્ન થયા છે. મે મહિનામાં ક્લિયર કરાવવા માટે બીજા ૧૦ ચેક આપેલા છે. અનપેઈડ રિટર્ન થયેલા કેટલાક ચેકમાં તો તેમના પત્ની કવિતા ચોપરાની સહી કરેલી હોવાનું જોવા માળી રહ્યું છે. રાજકોટના મુસ્તફાભાઈની માલિકીની બે કંપનીઓ એ.એ. માર્કેટિંગ અને બાબીજી ટ્રેડિંગના મળીને રૃ. ૮૯ લાખથી વધુ ડૂબી રહ્યા છે. એ.એ. માર્કેટિંગને આપેલો ૧૩ એપ્રિલની તારીખનો રૃ. ૧ લાખનો ચેક પણ પંજાબ નેશનલ બેન્કે અનપેઈડ રિટર્ન કર્યો છે. ગાંધીધામની વસંત એજન્સીના રૃ. ૨૦.૫૪ લાખ ડૂબી રહ્યા છે. અમદાવાદની પૂજા સેલ્સ એજન્સીના રૃ. ૨૦ લાખ ડૂબી રહ્યા છે. વડોદરાના કલ્યાણ સેલ્સ કોર્પોરેશનના પણ રૃ. ૫.૫૦ લાખથી વધુ ડૂબી રહ્યા છે.

ઓસિયા હાયપર માર્ટ ચાલુ કરવા માટે વડોદરામાં જિતેન્દ્ર મનુભાઈ પટેલ પાસેથી મિલકત નવ વર્ષ માટે ભાડે લેવાનો કરાર કરીને ભાડાં કરારની શરત હેઠળ ભરવાના થતાં મ્યુનિસિપલ ટેક્સના રૃ. ૨૫,૧૭,૮૫૪ જમા કરાવ્યા નહોતા. પરિણામે મિલકતના માલિકે મ્યુનિસિપલ ટેક્સના પૈસા જમા કરાવ્યા તે પરત કરવા માટે ઓસિયા રિટન્લ્સ લિમિટેડના માલિકે રૃ. ૧૦ ચેક આપ્યો હતો. આ ચેક પણ સિકરાયા વિના જ રટર્ન થયો છે. પરિણામે નેગોશિયેબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ધીરેન્દ્ર ચોપરાને વકીલ મારફતે ૧૭ ફેબ્આરી ૨૦૨૬ નોટિસ આપવામાં આવી છે. જામનગર, ભુજ, ગાંધીધામ અને મુન્દ્રામાં હાયપર મોલ માટે ભાડે આપેલી જગ્યાના રૃ. ૯૦ લાખના ભાડાં ન ચૂકવાયા હોવાની સપ્લાયર્સના વર્તુળમાં ચર્ચા છે.

સપ્લાયર્સનો વિરોધ શમાવવા એક સપ્લાયરને પોતાની કંપની ઓસિયા હાયપર રિટેઈલ લમિટેડના બોર્ડમાં ડિરેક્ટર બનાવવાની પણ ઓફર કરી હતી. પરંતુ સપ્લાયર્સના મનમાં તેમની ઇમેજને સદંતર તોડી નાખવા માટેની આ ચાલ હોવાનું જણાતા સપ્લાયરે ઓસિયા હાયપર લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર બનવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.

સપ્લાયર્સ સાથે ફ્રોડ કરનારાઓમાં ધીરેન્દ્ર ચોપરા અને તેમના પરિવારના અન્ય સભ્યો પણ સંડોવાયેલા હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા છે. ઓસિયા હાયપર રિટેઈલ લિમિટેડના પ્રમોટર્સમાં નિર્મલા ગૌતમ ચોપરાં, હરકચંદ જૈન, ગૌતમ જસરાજ ચોપરાં, નમ્રતા અભિષેક મહેતા, ધીરેન્દ્ર ગૌતમ ચોપરાં, તેમના પત્ની કવિતા ધીરેન્દ્ર ચોપરાં, નૈતિક ગૌતમ ચોપરાં અને મોના ચેતન રોકડનો સમાવેશ થાય છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થાનકવાસી જૈન સોસાયટીમાં રહેતા ધીરેન્દ્ર ચોપરાએ અત્યારે બોપલમાં રૃ. ૧૦ કરોડના મૂલ્યનો ફ્લેટ લીધોે હોવાની અને તેમના દીકરાને રૃ. ૨ કરોડના મૂલ્યની ડિફેન્ડર કાર ગિફ્ટ કરી હોવાની પણ ચર્ચા સપ્લાયર્સમાં ચાલી રહી છે.ઓસિયા હાયપર રિટેઈલ લિમટેડ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. ગત સપ્ટેમ્બરમાં તેના શેરનો ભાવ રૃ. ૮ હતો. જાન્યુઆરી સુધીમાં તેનો શેરનો ભાવ રૃ. ૩૩ના મથાળે પહોંચાડી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આજે તેનો શેર તૂટીને ફરી રૃ. ૬.૨૧ના ભાવે શેરબજારમાં ટ્રેડ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...