પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત

માળિયા હાટીના તાલુકાના કાલિંભડામાં ગઇકાલે બે પુત્રીઓની જાન આવી ત્યારે જ પિતાને હાર્ટએટેક આવ્યો હતો તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. પરિવારજનોએ જાણ થવા દીધી ન હતી. સવારે શુભ અને સાંજે માઠા પ્રસંગથી ગમગીની વ્યાપી ગઈ હતી.

કાલિંભડા ગામમાં  રહેતા મોહનભાઇ પરબતભાઈ રાઠોડની પુત્રી સીમાબેન અને ધરતીબેનના ગઈકાલે લગ્ન હતા. સીમાબેનની જાન દિવાસાથી અને ધરતીબેનની જાન આત્રોલીથી આવી હતી. કન્યાના પિતા મોહનભાઈ અને પરિવારજનોએ જાનૈયાઓની આગતા સ્વાગતા કરી નાસ્તો કરાવ્યો હતો. લગ્નના મંગળ ગીત ગવાતા હતા ત્યારે સાડા દસેક વાગ્યા આસપાસ મોહનભાઇને હાર્ટએટેક આવતા તેઓને 108માં માળિયા સારવારમાં ખસેડાયા હતા, જ્યાં મોહનભાઇનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

ઘરે બે દીકરીઓની જાન અને પરિવારના મોભીનાં અવસાનથી માંડવીયાઓ મૂંઝવણમાં મુકાયા હતા. મોહનભાઇના પરિવારજનો અને સગાસબંધીઓએ બપોરે જાનૈયાઓએ ભોજન કરી લીધું ત્યાં સુધી કોઈને જાણ થવા દીધી ન હતી, જ્યારે પરિવારના સભ્યોએ ભોજન કર્યું ન હતું. આખરે જાન વિદાય થઈ ગયા બાદ મોહનભાઇના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. રાત્રીના તેઓની અંતિમયાત્રા નીકળી હતી. પુત્રીઓના લગ્નના દિવસે જ પિતાએ અંતિમ વિદાય લેતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આમ સવારે શુભ પ્રસંગે મંગળ ગીત ગવાતા હતા ત્યાં બપોરબાદ મરશિયા ગવાતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...