ધાર્મિક મુદ્દો બનાવનારા કોંગ્રેસ સાંસદને કપિલ દેવનો જવાબ- દરેકને ખુશ ના કરી શકાય

ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજને બહાર રાખવા પર શરૂ થયેલા રાજકીય વિવાદમાં હવે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે સિરાજના નામના આધારે ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યા બાદ કપિલ દેવે શુક્રવારે આ મુદ્દે ખૂબ જ સંતુલિત જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ટીમની પસંદગી પર ટિપ્પણી કરવી તેમનું કામ નથી, પરંતુ આ સાથે જ તેમણે પસંદગીકારોની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જ્યારે કપિલ દેવને ઈમરાન મસૂદના આરોપો અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘આ જવાબદારી પસંદગીકારો, કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટની છે. આ બાબતે પસંદગીકારોને પૂછો, હું કોઈ નથી. અમારા જેવા લોકોએ આના પર ટિપ્પણી ન કરવી જોઈએ. જે લોકો પાસે આ જવાબદારી છે, તેમણે જ જવાબ આપવો જોઈએ. મને લાગે છે કે તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, આપણે દરેક વ્યક્તિને ખુશ રાખી શકતા નથી.’

ભારતીય ક્રિકેટની સિસ્ટમ પર ભરોસો વ્યક્ત કરતાં દિગ્ગજ ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું કે, ‘વ્યક્તિગત પસંદ કે નાપસંદ કરતાં ટીમની યોજના અને દેશનું પ્રદર્શન વધુ મહત્ત્વનું છે. તમે કોઈ સિસ્ટમની ટીકા ન કરી શકો કારણ કે તે આ જ રીતે બનાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે તે વધુ મહત્ત્વનું છે. મને સિરાજ પસંદ છે, પરંતુ ટીમ પસંદ કરવાનો નિર્ણય પસંદગીકારો, મેનેજર અને કેપ્ટનનો જ હોય છે. અમારી પસંદ-નાપસંદથી કોઈ ફરક પડતો નથી, સંગઠન કઈ રીતે યોજના બનાવી રહ્યું છે તે મહત્ત્વનું છે.’

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે ટીમની પસંદગી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા પ્રદર્શન છતાં તેમને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેમનું નામ સિરાજ છે અને આ જ કારણે તેમને સ્થાન મળ્યું નથી. જો તમે સારા પ્રદર્શન છતાં તેમને નથી પસંદ કરી રહ્યા, તો તેમાં ભેદભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *