ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી અગ્રણી સેન્ટ મેરિઝ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના નામે અચાનક લવ લેટર ફરતો થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી વ્યથિત થયેલા વિદ્યાર્થીનીના વાલીએ આખરે ઘોઘારોડ પોલીસ મથકમાં પહોંચીને પાંચ સગીર વયના વિદ્યાર્થીઓ સામે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.
પીડિત વિદ્યાર્થીનીના વાલીના આક્ષેપ મુજબ, શાળામાં ફરતા કરાયેલા લેટરમાં તેમની દીકરીનું નામ લખેલું હતું, પરંતુ તેમાં રહેલું લખાણ અને હસ્તાક્ષર તેમની દીકરીના હાથના અક્ષરો સાથે બિલકુલ મેળ ખાતા નથી. લેટર ફરતો કરનારા સગીરોને તેમની દીકરી ઓળખતી પણ નથી, છતાં વર્ગના અન્ય વિદ્યાર્થીઓ આ પત્રના આધારે દીકરીની મજાક ઉડાવતા હોવાથી તેને માનસિક ત્રાસ ભોગવવો પડી રહ્યો છે.
વાલીએ શાળામાં નોકરી કરતા એક શિક્ષિકાના પુત્ર સહિત પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.બીજી તરફ, શાળાના ફાધરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ લવ લેટર ટયુશન ક્લાસમાંથી અલગ-અલગ વિદ્યાર્થીઓ મારફતે શાળા સુધી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને શાળા મેનેજમેન્ટ દ્વારા એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
કમિટીના રિપોર્ટ આવ્યા બાદ શાળા કક્ષાએથી પણ જવાબદાર વિદ્યાર્થીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.આ મામલે વાલીની ફરીયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે પાંચેય સગીર વિદ્યાર્થીઓ સામેં બીએનએસ એક્ટ ૭૫(૩), તેમજ પોક્સો એકટ ૧૨ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
