જાફરાબાદ પંથકની એક સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની અને એક સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શિક્ષક રામશંકર બટુકભાઈ પંડયા સામે ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાના અને એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપો થયા છે. વિદ્યાર્થિનીએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે પણ આવી ઘટના બની છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ડીવાયએસપીના જણાવ્યા અનુસાર, શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં મિશન સ્માઈલ અંતર્ગત બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાગૃત કરવા માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આવા જ એક કાર્યક્રમ બાદ જાફરાબાદ પંથકની વિદ્યાર્થિનીઓમાં હિંમત આવી હતી અને તેમની સાથે શાળામાં શિક્ષક રામશંકર પંડયા દ્વારા થતાં શારીરિક અડપલાની પરિવારને જાણ કરી હતી. હાલ વિદ્યાર્થિનીઓની પૂછપરછ સહિતની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તપાસમાં સામે આવતી વિગતોના આધારે પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
