ડમ્પરની ટક્કર વાગતા ભીષણ આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવર જીવતો ભુંજાયો

ડમ્પરની ટક્કર વાગતા ભીષણ આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવર જીવતો ભુંજાયો

ધંધુકા ભાવનગર હાઈવે પર શાખાજીન નજીક ડમ્પર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની ટક્કર બાદ કારમાં આગ ભભૂકી ઊઠતાં ચાલકનું સળગી જવાથી મોત થયુ હતું.

ધંધુકા ભાવનગર હાઈવે પર શાખાજીન નજીક એક ગમખ્વાર અને હૃદય ધ્જાવી દેતો અકસ્માત સર્જાયો છે. બેફામ ઝડપે દોડી રહેલા એક ડમ્પરચાલકે આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કાર ડમ્પરની પાછળ ફસાઈ ગઈ અને અંદાજે ૩૦૦ થી ૫૦૦ મીટર સુધી હાઈવે પર ઢસડાતી રહી હતી.

આ ઘર્ષણ અને ટક્કરના પ્રચંડ અવાજ તેમજ સ્પાર્કને કારણે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.આ ભીષણ અકસ્માતમાં ઇકો કાર ચાલક સંજય કાળુભાઈ કણજારીયા કારની અંદર જ ફસાઈ ગયા હતા. આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા, જેના કારણે કારમાં જ જીવતા સળગી જવાથી તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સંજયભાઈ બરવાળા ખાતે પોતાની દુકાનનું કામ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાઈવે પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. બનાવની જાણ થતાં ધંધુકા પોલીસ મથકનો કાફલો તરત જ સ્થળ પર પહોંચ્યો હતો. આ સાથે જ ધંધુકા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો અને ટ્રાફિકજામ થઈ ગયો હતો.ધંધુકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ અને ઓવરસિપીડ દોડતા ડમ્પરો અને ભારે વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ પણ અનેક નિર્દોષ લોકોએ આ બેદરકાર ડમ્પરચાલકોના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ગંભીર ઘટના બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ રોષ વ્યક્ત કરતા માંગ કરી છે કે હાઈવે પર નિયમો નેવે મૂકીને બેફામ વાહનો હંકારતા ડમ્પરચાલકો સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક દાખલારૃપ પગલાં લેવામાં આવે.હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ડમ્પરચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૃ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...