સિમાંકન બીલ માટે વિશેષ સત્ર બોલાવી શકે છે

મોદી સરકાર સિમાંકન બીલ માટે ટુક સમયમાં જ સંસદનું ખાસ સત્ર બોલાવી શકે છે. એપ્રિલ મહિનામાં સિમાંકન બીલ રજુ કરવામાં આવ્યું હતું, પરંતુ સંસદમાં પસાર થઈ શક્યું નહોતું. જેને કારણે એનડીએ સરકારને ફટકો પડયો હતો. જોકે પશ્ચિમ બંગાળના પરિણામ પછી એનડીએની શક્તિ વધી છે અને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી ગઈ છે. સિમાંકન બીલ પસાર કરવા માટે સરકાર પાસે બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ૧૫ થી ૧૮ મતોથી જીતી જશે. સરકારને જરૂરી નંબર મેળવવાનો વિશ્વાસ છે. જોકે સંસદનું આ સત્ર ક્યારે મળશે એ જણાવવામાં આવ્યું નથી. આ પહેલા સંસદનું ચોમાસુ સત્ર ઓગસ્ટના મધ્યમાં જ પુરુ થઈ ગયું હતું. જો આ સત્ર ઔપચારીક રીતે પુરુ કરવામાં આવ્યું નથી.

સોનિયા ગાંધીએ પુસ્તકમાં વસુંધરા રાજે વિશે શું લખ્યું છે સોનિયા ગાંધીએ એમની આત્મકથામાં એક વિવાદાસ્પદ કિસ્સા વિશે લખ્યું છે. એમણે રાજસ્થાનના વસુંધરા રાજે સિવાય બીજા કોઈપણ પક્ષના નેતાઓનો ઉલ્લેખ કર્યો નથી. એમણે લખ્યું છે કે વસુંધરા રાજેએ ઇન્દિરા ગાંધીને નીચુ દેખાડવા મેનકા ગાંધીનો સાથ લીધો હતો. મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધીનો પહેલો જન્મદિવસ વસુંધરા રાજેના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મનાવવામાં આવ્યો હતો. આ બર્થડે પાર્ટી ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી. સોનિયા ગાંધીએ લખ્યું છે કે ‘જ્યારે માર્ચ ૧૯૮૧માં વરુણનો પહેલો જન્મદિવસ આવ્યો ત્યારે મારા સાસુ ઇન્દિરા ગાંધીએ મેનકા ગાંધીના કેટલાક મિત્રો અને બાળકો સાથે ગેટ ટૂ ગેધર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મેનકાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો અને વસુંધરા રાજેના ઘરે વરુણના જન્મદિવસની પાર્ટી રાખી હતી.’

મોદી – પિત્રોડા વચ્ચે ઇલુ ઇલુથી નવાઈ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર ટીકાકાર રહ્યા છે. રાહુલ ગાંધીના સલાહકાર પિત્રોડાની એક ટીપ્પણીએ હવે બધાનું ધ્યાન ખેંચ્યું છે. દિવાળીના દિવસો દરમિયાન પિત્રોડા અને મોદી વચ્ચે મીની ઇલુ ઇલુ થવાથી ઘણાને નવાઈ લાગી છે. પિત્રોડાએ નરેન્દ્ર મોદીને કુશળ વક્તા અને મહેનતી વ્યક્તિ ગણાવ્યા છે. પિત્રોડાના કહેવા પ્રમાણે ભલે એમની અને વડાપ્રધાન વચ્ચે વિચારધારાનો તફાવત હોય, પરંતુ વ્યક્તિ તરીકે તેઓ મોદીનું સન્માન કરે છે. પિત્રોડાએ મોદીને પોતાના ગુજરાતી મિત્ર ગણાવીને ખુબ જ આત્મિય, દયાળુ અને બીજા લોકોનું ધ્યાન રાખનાર વ્યક્તિ ગણાવ્યા હતા. હું એમને મળ્યો છું, મારી પત્ની અને હું એમને મળ્યા હતા. અમને એક બીજા સાથે ખૂબ બને છે. બીજી તરફ નરેન્દ્ર મોદીએ પણ સામ પિત્રોડાને અભિનંદન આપ્યા હતા અને એમના પત્નીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

વોટ ચોરી અને ‘સર’ના મુદ્દા સંસદમાં ઉઠાવીશું : સંજય સિંહઆમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું છે કે, એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર સંસદમાં વોટ ચોરી અને એસઆઇઆર મુદ્દે સરકારને ઘેરશે. શરદ પવાર સાથે મીટીંગ કર્યા પછી સંજય સિંહ ભારે મૂડમાં જોવા મળ્યા હતા. સંજય સિંહના કહેવા પ્રમાણે સંસદના ખાસ સત્રની શરૂઆતમાં આ મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. સંજય સિંહે કહ્યું હતું કે, ‘અમે મહારાષ્ટ્રના રાજકારણ તેમજ એમએલસી ચૂંટણીના પરિણામો વિશે વાત કરી હતી. અમારી મુલાકાત ખુબ સુખદ રહી હતી. હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે પવાર સાહેબ જલ્દીથી સ્વસ્થ થઈ જાય. જોકે એનસીપીના બંને જૂથના વિલિનીકરણ વિશે સંજય સિંહે કોઈ કોમેન્ટ કરી નહોતી. એમના કહેવા પ્રમાણે સંસદમાં સિમાંકન બીલ પસાર કરવા માટે એનડીએ પાસે બહુમતી નથી.’

ઔવેસી – ચંદ્રશેખરની દોસ્તીથી સપા – બસપાનું ટેન્શન વધ્યું ઉત્તર પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદ અને અસદુદ્દીન ઔવેસીના ગઠબંધનને કારણે રાજકારણમાં ગરમી આવી ગઈ છે. બંને પક્ષના કાર્યકરોએ નવચંદી મેદાનમાં મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. હવે નજર ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પર છે. સવાલ એ છે કે, મેરઠની ૭ બેઠકો પર ગઠબંધન કઈ રીતે બેઠકોની વહેંચણી કરશે. કાર્યકર્તાઓનો દાવો છે કે, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનને મોટી સફળતા મળશે. આ ગઠબંધન દલીત અને લઘુમતીને એક મંચ પર લાવવાની કોશિષ કરશે. એઆઇએમઆઇએમ લઘુમતીઓના મુદ્દાઓ ઉઠાવે છે જ્યારે ચંદ્રશેખર આઝાદનો પક્ષ દલીતોના મુદ્દા ઉઠાવે છે. મેરઠ શહેરની વિધાનસભા બેઠકો સૌથી અગત્યની ગણાશે, કારણ કે મેરઠમાં દલીત અને લઘુમતિ મતદારોની સંખ્યા વિશેષ છે. હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે ગઠબંધન કઈ બેઠકો પર કયા પક્ષના ઉમેદવાર ઉભા રાખશે.

કાશ્મીરમાં વધતા આતંકવાદથી ચિંતા વધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. કિશ્તવાડમાં આતંકવાદીઓએ એક વર્ષની અંદર બીજી વખત સ્થાનિક સુરક્ષા કર્મચારીઓને ટાર્ગેટ કર્યા છે. ગયા વર્ષે બે ગ્રામ રક્ષા ગાર્ડ (વીડીજી)ની હત્યા કરવામાં આવી હતી. હવે બે વિશેષ પોલીસ અધિકારીઓ (એસપીઓ)ની હત્યા થવાથી સ્થાનીક સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા બાબતે ચિંતા વધી છે. બંને ઘટનાઓમાં એક સમાનતા એ છે કે, જેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા એ સ્થાનિક સુરક્ષા કર્મચારીઓ હતા. આતંકવાદીઓ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓપરેશન ત્રાશીર દરમિયાન પાકિસ્તાની સેફુલ્લાહ સહિત ૭ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી થોડા સમય માટે આતંકવાદી પ્રવૃત્તિ પર બ્રેક લાગી હતી. જોકે હવે ફરીથી આતંકવાદીઓ માથુ ઉંચકવા માંડયા છે.

ઝાકીરની એનજીઓ પર પ્રતિબંધ વધ્યો, જોકે એ ખુલ્લો ફરે છે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ભાગેડુ ઝાકીર નાઇકની સંસ્થા ‘ઇસ્લામીક રીસર્ચ ફાઉન્ડેશન’ (આઇઆરએફ)ને ફરીથી ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. મંત્રાલયે બહાર પાડેલા એક પરિપત્રમાં આ પ્રતિબંધ પાંચ વર્ષ સુધી લંબાવ્યો છે. આ નિર્ણય ગેરકાયદેસર પ્રવૃત્તિ (અટકાવવી) કાયદા ૧૯૬૭ની કલમ ૩ હેઠળ લેવામાં આવ્યો છે. આ પહેલા સંગઠન પર ૨૦૧૬ અને ૨૦૨૧ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંગઠન પર પ્રતિબંધ હોવાથી ઝાકીર નાઈકને કોઈ ફેર પડતો નથી. ઝાકીર નાઈક મલેશિયા અને દુનિયાના બીજા દેશોમાં ખુલ્લેઆમ ફરતો રહે છે. થોડા સમય પહેલા એ પાકિસ્તાન જઈને પણ ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી આવ્યો હતો. ભારતની વિદેશ નીતિ કે ગૃહમંત્રાલયના કોઈપણ નિર્ણયો ઝાકીર નાઇકને ભારત પરત લાવી શકે એમ નથી. નાઇકના ચેલા ચપાટા હજી પણ ભારતમાં સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *