એન્ટિલિયા કેસમાં વાઝેના જામીન રદ કરતી વખતે અવલોકન

મુંબઈ –  એન્ટિલિયા  વિસ્ફોટક કેસમાં વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વાઝેને સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન ગુરુવારે  બોમ્બે હાઈકોર્ટે રદ કરતી વખતે  સ્પષ્ટતા કરી હતી કે આ દેશના કોઈપણ નાગરિક, પછી ભલે તે સામાન્ય માણસ હોય કે ઉદ્યોગપતિ, તેને આતંકી કૃત્યથી  સહેજ પણ ભયભીત કરી શકાય નહીં

  જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ડો.નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ખાસ કોર્ટના અવલોકનની ટીકા કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘટના પછી અંબાણી પરિવાર  આતંકિત  હતો તે દર્શાવવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા નથી.  હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ ધમકીની અસર ફક્ત તે વ્યક્તિ જ સમજી શકે છે જેણે તેનો સામનો કર્યો  છે. કોર્ટે કહ્યું, આ દેશનો કોઈ પણ નાગરિક, ખાસ કરીને આ કિસ્સામાં રાષ્ટ્ર અને તેના અર્થતંત્રમાં યોગદાન આપનાર આદરણીય ઉદ્યોગપતિ, આતંકવાદના સહેજ પણ ખતરાનો સામનો કરવાનો આવે એ યોગ્ય નથી.

 ૮૬ પાનાના વિગતવાર ચુકાદામાં, બેન્ચે પોલીસ વિભાગમાં વાઝેના પ્રભાવ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ના આરોપની નોંધ લીધી કે તે પોતાની ‘સુપર કોપ’ની છબી ફરીથી સ્થાપિત કરવા માંગે છે.  બેન્ચે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે વાઝે એક સુનિયોજિત કાવતરું ઘડયું હતું. મનસુખની કાર ચોરાયેલી બતાવવામાં આવી હતી, તેની નંબર પ્લેટ બદલવામાં આવી હતી, કાર અંબાણીના નિવાસસ્થાનની બહાર પાર્ક કરવામાં આવી હતી અને તેની અંદર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. કારમાં એક ધમકીભર્યો પત્ર પણ છોડી દેવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું કે વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવ્યા બાદ, રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે વાઝે એક ટેલિગ્રામ ચેનલ પર આતંકવાદી સંગઠનના નામે એક સંદેશ પોસ્ટ કર્યોે હતો, જેમાં ઘટના માટે તે સંગઠન પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સંગઠને તરત જ ઘટનાથી પોતાને દૂર રાખતા બીજો સંદેશ જારી કર્યો હતા.  બેન્ચના મતે, આતંકવાદી સંગઠનના નામનો ઉપયોગ કરવાનો હેતુ લોકોમાં બોમ્બ વિસ્ફોટનો ભય પેદા કરવાનો હતો. ત્યારબાદ કથિત સુપર કોપ શ્રીમંત ઉદ્યોગપતિઓ માટે સુરક્ષા એજન્ટ તરીકે પોતાને રજૂ કરતો અને ધીમે ધીમે તેમની પાસેથી પૈસા પડાવતો હતો.

વાઝે  પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દો ન ધરાવતા હોવા છતાં, આવા ગુનાહિત કૃત્યોમાં સામેલ થવા સક્ષમ હતા. તેમણે અજાણતાં જુનિયર પોલીસ અધિકારીઓની મદદ લીધી હતી. તેમનો રેકોર્ડ પણ એક સામાન્ય સરકારી કર્મચારી કરતા નોંધપાત્ર રીતે અલગ હતો. કોર્ટે નોંધ્યું હતું કે સહાયક પોલીસ નિરીક્ષક હોવા છતાં, વાઝે મોંઘી લક્ઝરી કારની માલિકી ધરાવતો હતો અને તે એવા કેસોની તપાસ સુરક્ષિત કરવામાં પ્રભાવશાળી હતો જેમાં તેની સીધી ભૂમિકા હતી, ભલે તે કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોય.

  ડિવિઝન બેન્ચે કહ્યું કે પોલીસ તંત્રમાં તેમના પ્રભાવને ઓછો અંદાજ ન આપી શકાય. વરિષ્ઠ અધિકારીઓ સાથેના તેમના સંબંધો પણ પ્રભાવશાળી લોકો સાથે તેમની નિકટતા દર્શાવે છે.એનઆઈએએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વાઝે ખુલ્લેઆમ ખંડણી રેકેટ ચલાવી રહ્યો હતો અને ખોટા દરોડાની ધમકી આપીને હોટલ અને બાર માલિકોને બ્લેકમેલ કરી રહ્યો હતો. કોર્ટે કહ્યું કે આવી પ્રવૃત્તિઓથી સાક્ષીઓને પ્રભાવિત કરવાની તેની ક્ષમતા વિશે પણ નોંધપાત્ર સંકેતો મળે છે. બેન્ચે કહ્યું કે વાઝેના પ્રભાવ, નાણાકીય સંપત્તિ અને પોલીસ વિભાગમાં પહોંચને કારણે, તેમની જામીન પર મુક્તિ ટ્રાયલ પર પ્રતિકૂળ અસર કરી શકે તેવી સંભાવના છે. આ સંભવિત ખતરો ફક્ત પુરાવા અને સાક્ષીઓ સાથે છેડછાડ કરવા પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ રેકોર્ડ પરના અન્ય સંજોગો પણ આ તરફ નિર્દેશ કરે છે.

જામીન સુનાવણી દરમિયાન ખાસ અદાલતના વર્તન પર ડિવિઝન બેન્ચે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે કેસની ગંભીરતા હોવા છતાં, ખાસ અદાલતે અત્યંત બેદરકારીથી કામ કર્યું હતું અને જામીનના આદેશમાં એવા અવલોકનો કર્યા હતા જેનો કોઈ તાકક કે કાનૂની આધાર નહોતો. કોર્ટે જણાવ્યું હતું કે ખાસ ન્યાયાધીશના અવલોકનો ન્યાયિક તર્કના મૂળભૂત સિદ્ધાંતો સાથે અસંગત હતા. ખાસ અદાલત જામીન નક્કી કરવા માટે સ્થાપિત સિદ્ધાંતો અને ધોરણોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ. તેના આદેશમાં ઘણા વિરોધાભાસ પણ હતા જેને અવગણી શકાય નહીં. હાઈકોર્ટે ખાસ અદાલતના એ અવલોકનને પણ કાયદેસર રીતે ખોટું ગણાવ્યું કે આરોપો ઘડવા માટે સંતોષનું સ્તર જામીન આપવા કરતાં ઓછું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *