હેલ્મેટ ચલણના નામે વોટ્સએપ પર આવ્યો મેસેજ? એક ક્લિકથી ખાતું થઈ જશે સાફ!

હેલ્મેટ ચલણના નામે વોટ્સએપ પર આવ્યો મેસેજ? એક ક્લિકથી ખાતું થઈ જશે સાફ!

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ CCTV કેમેરા દ્વારા વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ વાહનચાલકની સાથે પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલમેટ પહેરવું અનિવાર્ય બનાવાયું છે. નિયમનો ભંગ કરવા બદલ 500 રૂપિયાનું ઇ-ચલણ ફટકારવામાં આવતું હોવાથી વાહનચાલકોમાં દંડનો ફફડાટ છે. આ સ્થિતિનો લાભ લઈને સાયબર ગઠિયાઓએ પણ લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદીઓના મોબાઈલ ફોન પર ટ્રાફિક નિયમના ભંગ બદલ 500 રૂપિયાનું હેલમેટ ચલણ ભરવા માટેના મેસેજ ફેલાઈ રહ્યા છે. આ મેસેજમાં વાહનચાલકે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોવાનું જણાવી દંડ ભરવા માટે એક શંકાસ્પદ લિંક આપવામાં આવે છે. સાથે જ તાત્કાલિક લિંક ખોલીને પેમેન્ટ કરવા દબાણ કરવામાં આવે છે. દંડ ભરવાની ઉતાવળમાં લોકો આવી લિંક પર ક્લિક કરી બેસે છે. જોકે, સાયબર ઠગો દ્વારા મોકલવામાં આવેલી આ લિંક ખોલતાં સરકારી પોર્ટલ જેવી દેખાતી નકલી વેબસાઇટ ખુલે છે. અહીં પેમેન્ટ કરવાની પ્રક્રિયા દરમિયાન બેંક ખાતાની વિગતો ચોરાઈ શકે છે અને ખાતામાંથી હજારો રૂપિયા ઉપડી જવાનું જોખમ રહે છે.

સાયબર ઠગાઈની કેટલીક પદ્ધતિઓમાં લિંક દ્વારા મોબાઈલમાં APK ફાઇલ ડાઉનલોડ કરાવવામાં આવે છે. આવી શંકાસ્પદ ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી મોબાઈલની સુરક્ષા જોખમાઈ શકે છે. તેના માધ્યમથી OTP, બેંકિંગ પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ વિગતો ચોરાવાનો ભય રહે છે. હાલમાં વાહનચાલકોમાં સાચા અને નકલી ઇ-ચલણને લઈને મૂંઝવણ ઊભી થઈ રહી છે. દંડ ભરવાની ઉતાવળમાં કોઈ અજાણી લિંક ખોલવી કે તેમાં બેંકિંગ વિગતો આપવી ભારે પડી શકે છે.

સાયબર ઠગાઈથી બચવા માટે વાહનચાલકોએ વોટ્સએપ પર મળતા અજાણ્યા મેસેજની લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. માત્ર વેબસાઇટના અંતમાં .gov.in અથવા અન્ય કોઈ ડોમેન હોવાને આધારે લિંકને સાચી માની લેવી નહીં. સત્તાવાર સરકારી વેબસાઇટનું સરનામું જાતે ટાઇપ કરીને ખોલવું અને ત્યાંથી જ ચલણની વિગતો તપાસવી વધુ સુરક્ષિત છે. કોઈ શંકાસ્પદ APK ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી અને અજાણી લિંક પર OTP, બેંકિંગ પાસવર્ડ કે કાર્ડની વિગતો આપવી નહીં. જો ભૂલથી બેંકિંગ વિગતો આપી દીધી હોય અથવા ખાતામાંથી નાણાં કપાયાં હોય તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...