વીજ ગ્રાહકો માટે બચતની સુવર્ણ તક: સ્માર્ટ મીટર ધારકોને પ્રીપેડમાં ૩ ટકા અને બપોરના વપરાશમાં વિશેષ રાહતનો લાભ

વીજ ગ્રાહકો માટે બચતની સુવર્ણ તક: સ્માર્ટ મીટર ધારકોને પ્રીપેડમાં ૩ ટકા અને બપોરના વપરાશમાં વિશેષ રાહતનો લાભ

આણંદ જિલ્લામાં અત્યાધુનિક વીજ વ્યવસ્થા અને ગ્રાહક સુવિધાના ભાગરૂપે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યંત વેગવંતી બની છે. ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૩,૨૪,૫૧૨ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, જે નિર્ધારિત લક્ષ્યાંકના ૫૨.૫૬ ટકા જેટલી નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. આ આધુનિકીકરણ પ્રક્રિયામાં સોજિત્રા તાલુકો ૭૯.૯૧ ટકા કામગીરી સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલી પ્રગતિ પર નજર કરીએ તો આંકલાવ તાલુકામાં ૭૨.૯૭ ટકા, બોરસદમાં ૬૪.૮૦ ટકા અને પેટલાદમાં ૫૫.૫૭ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ઉમરેઠ અને ખંભાતમાં પણ પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.

સોજિત્રા તાલુકાના લિંબાલી, મેઘલપુર અને ડાલી જેવા ગામોએ ૧૦૦ ટકા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક હાંસલ કરીને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ખણસોલ અને રુણજ જેવા ગામોમાં પણ કામગીરી પૂર્ણતાના આરે છે. સમગ્ર આણંદ જિલ્લામાં કુલ ૬,૧૭,૩૬૮ વીજ ગ્રાહકો પૈકી અડધાથી વધુ ગ્રાહકો હવે સ્માર્ટ મીટર ટેકનોલોજી સાથે જોડાઈ ચૂક્યા છે. ગત ૭ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન જિલ્લાના ૪૩ ગામોમાં શેરી નાટકો દ્વારા સ્માર્ટ મીટરના ફાયદા, પીએમ સૂર્યઘર યોજના અને વીજ બચત અંગે ગ્રામીણ જનતાને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકો માટે વીજ કંપની દ્વારા આર્થિક પ્રોત્સાહનો આપવામાં આવે છે. જે ગ્રાહકો પ્રીપેડ મીટરનો વિકલ્પ પસંદ કરે છે, તેમને વીજ ટેરિફમાં સીધું ૦૩ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, સૌર ઊર્જાના ઉત્પાદન સમયગાળા દરમિયાન વીજ વપરાશને પ્રોત્સાહન આપવા માટે સવારના ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીના વપરાશ પર સ્માર્ટ મીટર ધારકોને યુનિટ દીઠ ૬૦ પૈસાનું વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. આ વ્યવસ્થાથી ગ્રાહકોના માસિક વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગ્રાહકોની સુવિધા માટે ખાસ ‘સ્માર્ટ મીટર’ મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો કોઈપણ સમયે પોતાના વીજ વપરાશની વિગતો લાઈવ જોઈ શકે છે અને પેમેન્ટ પણ કરી શકે છે. પેમેન્ટ કર્યા બાદ તુરંત જ વીજ જોડાણ આપમેળે ચાલુ થઈ જવાની સુવિધાથી ગ્રાહકોને હવે કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. જો કોઈ ગ્રાહકના નામે એકથી વધુ મીટર હોય, તો તેને એક જ એકાઉન્ટમાં લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. મીટરની સચોટતા અંગે શંકા હોય તેવા કિસ્સામાં ‘ચેક મીટર’ લગાવીને પારદર્શકતા સુનિશ્ચિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. આણંદ જિલ્લાના ગ્રાહકોના હકારાત્મક પ્રતિસાદને જોતા બાકી રહેલા વિસ્તારોમાં પણ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીયર શ્રી કેતનભાઇ શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...