સોમા તળાવ ચાર રસ્તા પાસેના સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે ગત્ ૧૮ ઓક્ટોબરની રાત્રે વણઝારા સમાજના ગરબા મહોત્સવ દરમિયાન જૂની અદાવતમાં ૨૪ વર્ષના નિલેશ વણઝારાની ચાકુના ઘા મારી હત્યા કરાઈ હતી. કપુરાઈ પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ ચારેય આરોપીઓ ૨૭ ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર છે. દરમિયાન આજે સાંજે ૬ વાગ્યે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે હત્યાની ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
આરોપીઓના જણાવ્યા મુજબ, ગરબા સ્થળની બહાર પાર્કિંગમાં બેઠેલા નિલેશ પર પૂનમે અચાનક ચાકુથી હુમલો કર્યો હતો. હુમલા બાદ પૂનમ નજીકમાં ઊભેલી રિક્ષામાં બેસી ગયો હતો અને ચાકુ રીક્ષામાં જ છોડી દીધું હતું. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસને તે જગ્યા પણ બતાવી હતી જ્યાં ચાકુ છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ મોકો મળતા પૂનમ સ્થળ પરથી બાઈક લઈને નીકળી ગયો હતો અને ભારત પેટ્રોલ પંપ પાસે ઊભો રહ્યો હતો. જ્યાં સુનિલ રીક્ષા લઈ આવી પહોંચતા પૂનમ તેમાં બેસી મહીસાગરના લુણાવાડા તરફ નાસી છૂટયો હતો.
પોલીસે હત્યાના કથિત ષડયંત્રને સાબિત કરવા માટે આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતનાં કોલ રેકોર્ડિંગ, ચાકૂ, બાઈક સહિતના પુરાવા એકત્ર કર્યા છે. હત્યા બાદ એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળેથી લોહીના નમૂના લીધા હતા. હવે પોલીસ આ નમૂનાઓ, કોલ રેકોર્ડિંગ અને અન્ય પુરાવાઓના આધારે તપાસને આગળ ધપાવી રહી છે.
