જી.એસ.એફ.સી. ની સામે વાહન ચાલકે ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું.
ઓડિસાના રાયગડા જિલ્લાના ગુડારી તાલુકાના દેમગૌડા ગામે રહેતો હેમાનંદલીમા તીતીમારી નિમલ (ઉં.વ.૨૨) વડોદરામાં કરચીયા ગામે દશરથ ફળિયામાં નાના ભાઇ ભગવત સાથે રહે છે. બંને ભાઇઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે બંને ભાઇઓ ટુ વ્હીલર લઇને નોકરી પર ગયા હતા.બપોરે નાના ભાઇની તબિયત ખરાબ થતા મોટા ભાઇ હેમાનંદલીમા તેને ઘરે મૂકવા માટે ગયો હતો. નાના ભાઇ ભગવતને ઘરે મૂકી પરત નોકરી જવા નીકળ્યો હતો. જી.એસ.એફ.સી. નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ કરૃણ મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહનની અડફેટે મોપેડ સવારનું મોત
