નવા પ્રમુખ બન્યાના 3 કલાકમાં ભાજપમાં બળવો, 17 સભ્યો મેદાને

નવા પ્રમુખ બન્યાના 3 કલાકમાં ભાજપમાં બળવો, 17 સભ્યો મેદાને

છોટા ઉદેપુર નગરપાલિકામાં ભાજપ શાસનમાં નવો વળાંક આવ્યો છે. નગરપાલિકાના નવા પ્રમુખની વરણી થયાના ગણતરીના કલાકમાં જ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને સપાટી પર આવી ગયો છે. ઉપપ્રમુખ સહિત 17 નગરપાલિકાના સભ્યોએ ભાજપ સંગઠન સામે ખુલ્લો બળવો પોકારીને ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવ્યો છે, જેમાં બહુમતી સભ્યોની મંજૂરી વગર વિકાસના કામોના બિલ પાસ ન કરવા અને કર્મચારીઓની ભરતી ન કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઘટનાક્રમથી સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર ચારના ભાજપના વિજેતા ઉમેદવાર રજનીબહેન રાઠવાને જવાબદારી સોંપવામાં આવી હતી. જિલ્લા ભાજપ સંગઠન તેઓને પ્રમુખ બનાવવા માંગતું હતું, પરંતુ પક્ષની અંદર જ બીજું એક જૂથ અન્ય કોઈને પ્રમુખ બનાવવા ઈચ્છતું હોવાથી આ વરણી સામે ભારે નારાજગી પ્રવર્તી રહી હતી અને ચૂંટણી ટાણે પણ પક્ષ સામે કામગીરી થઈ હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.

અત્યાર સુધી ઇન્ચાર્જ ઉપપ્રમુખ દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હતો, પરંતુ 20મી ઑક્ટોબરના રોજ નવા પ્રમુખની સત્તાવાર રચના થયાના માત્ર ત્રણ જ કલાકમાં ઉપપ્રમુખની આગેવાની હેઠળ 17 સભ્યોનું એક પ્રભાવશાળી જૂથ મેદાને આવ્યું હતું.

ચીફ ઓફિસરને આપવામાં આવેલા પત્રમાં 17 સભ્યોએ સહીઓ કરીને સ્પષ્ટ ચીમકી આપી છે કે નગરપાલિકામાં ચાલતા વિકાસના કામોના નાણાકીય બિલ 17 સભ્યોની બહુમતી અને મંજૂરી વગર પાસ કરવામાં ન આવે. આ ઉપરાંત, કોઈપણ નવા કર્મચારીની ભરતી કરતા અગાઉ પણ આ સભ્યોની મંજૂરી લેવી અનિવાર્ય છે.

આ બળવાખોર 17 સભ્યોના સમીકરણની વાત કરીએ તો, તેમાં સમાજવાદી પાર્ટી (સપા)ના 6 સભ્યો, ભાજપના 6 સભ્યો, કોંગ્રેસનો 1 સભ્ય અને અગાઉ ભાજપમાં જોડાયેલા 3 અપક્ષ સભ્યો સહિત કુલ 17 સભ્યો એકસાથે એકછત્ર હેઠળ આવી ગયા છે. સત્તાધારી પક્ષના જ સભ્યો દ્વારા નવા પ્રમુખની સત્તા સામે કાતર ફેરવવામાં આવતા ભાજપ સંગઠનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ સમગ્ર મા અંગે છોટા ઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડે જણાવ્યું હતું કે, હાલ નગરપાલિકામાં અંદાજે 8 કરોડ રૂપિયા જેટલા વિકાસના કામો ચાલી રહ્યા છે. 17 સભ્યો દ્વારા સહી કરીને પત્ર આપવામાં આવ્યો છે અને બહુમતીના આંકડાને જોતા વહીવટી નિયમો મુજબ સભ્યોની સંમતિ વગર કોઈપણ પેમેન્ટ થઈ શકે તેમ નથી. પ્રમુખે પોતાની સત્તાનો અમલ કરવો હશે તો 17 સભ્યોની સહી સાથે પત્ર રજૂ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...