25.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 પેડલર્સની ધરપકડ, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનું જોઇન્ટ ઓપરેશન

25.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 પેડલર્સની ધરપકડ, અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનું જોઇન્ટ ઓપરેશન

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક, રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કરોડો રૂપિયાના નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહેલા ત્રણ શખસોને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ ગંભીર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. જેમાં નવી દિલ્હીનો 40 વર્ષીય તિફેલ નોખેજ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હતો. મેરઠનો 38 વર્ષીય મોહમ્મદ ઇમરાન અલ્વી છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં સામેલ છે. જ્યારે નવી દિલ્હીનો 59 વર્ષીય કફીલ અહેમદ અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયેલો કુખ્યાત આરોપી છે.

આ જોઇન્ટ રેઇડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,497.490 ગ્રામ એટલે કે આશરે 2.5 કિલો MD ડ્રગ્સ કબ્જે કર્યું છે, જેની બજાર કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે 3 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત 4,531.220 ગ્રામ એટલે કે આશરે 4.5 કિલો હેરોઇન જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે 22.5 કરોડ રૂપિયા થાય છે. આમ, પોલીસે કુલ 25.5 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો જંગી જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...