રેલવે ટ્રેક પર લાશ ફેંકી દેવામાં ચારિત્ર્યની શંકા કારણભૂત

રેલવે ટ્રેક પર લાશ ફેંકી દેવામાં ચારિત્ર્યની શંકા કારણભૂત

જેતપુર તાલુકાના પીઠડીયા અને કાગવડ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી ગઈકાલે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવવાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચારિત્ર્યની શંકામાં પતિએ જ પત્નીનું ગળું દબાવી, પથ્થરોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, હત્યાને ટ્રેન અકસ્માતમાં ખપાવવા માટે લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. વીરપુર પોલીસે આ મામલે પતિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જૂનાગઢ સોબારી રેલવે ફાટક પાસે રહી મજૂરીકામ કરતા સમીરભાઈ સુરતાનભાઈ ભુરીયાએ પોતાના જમાઈ દિપક પ્રતાપ શીંગાર (ઉ.૨૨) વિરુદ્ધ પોતાની ૨૦ વર્ષીય પુત્રી દક્ષાબેનની હત્યાની ફરિયાદ નોંધાવી છે. તેમની પુત્રી દક્ષાબેનના લગ્ન છ મહિના પહેલા દિપક સાથે થયા હતા, જે પતિ સાથે કાગવડ ગામની સીમમાં ખેતીકામ કરતી હતી. થોડા મહિના પહેલા રક્ષાબંધન વખતે જ્યારે પિયર ગઈ હતી, ત્યારે તેણે પિતાને જણાવ્યું હતું કે તેનો પતિ દારૂ પીને ચારિત્ર્ય પર ખોટી શંકા કરી મારઝૂડ કરે છે. જોકે, બાદમાં સમાધાન થતા તે પરત સાસરે ગઈ હતી.

ગતરોજ તા.૧૯ના સવારે વીરપુર પોલીસ સ્ટેશનથી પિતાને ફોન આવ્યો કે તેમની પુત્રીનું મૃત્યુ થયું છે અને લાશનું પીએમ કરવા રાજકોટ લઈ જવાઈ છે. જેથી પરિવારજનો સાથે વીરપુર પહોંચ્યા હતા, ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર તેમના વેવાઈ પ્રતાપભાઈ શીંગારની પૂછપરછ કરતા સત્ય બહાર આવ્યું હતું. જેમાં પત્નીના ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી પતિ દિપક શીંગારે ગળું દબાવી અને પથ્થરથી માથું છૂંદીને હત્યા કરી હતી. હત્યા છુપાવવા અને ટ્રેન અકસ્માત દર્શાવવા લાશને રેલવે ટ્રેક પર મૂકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે મૃતકના પિતા સમીરભાઈ ભુરીયાની ફરિયાદના આધારે વીરપુર પોલીસે પતિ દિપક શીંગાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

પોલીસ આવે તો મને બચાવી લેજોઃ પિતા સમક્ષ કબૂલ્યુંઆરોપી દિપકે જઘન્ય અપરાધ બાદ પિતા સમક્ષ કબૂલાત કરતા કહ્યું હતું કે, ‘ગત રાત્રે હું અને દક્ષા વાતો કરતા હતા, ત્યારે મને શંકા હતી કે તે ફોનમાં બીજા કોઈ સાથે વાતો કરે છે. રાત્રે બારેક વાગ્યે આ બાબતે ઝઘડો થતા મેં તેનું ગળું દબાવી દીધું હતું. દક્ષા મરી ગઈ છે તેવું લાગતા, હું તેને ખેતરમાં થઈને રેલવે ટ્રેક પર સુવડાવવા ગયો. ત્યાં મેં જોયું તો તેના શ્વાસ ચાલુ હતા, જેથી મેં ત્યાંથી એક પથ્થર લઈને તેના માથાના ભાગે આડેધડ ઘા મારી દીધા અને લાશને પાટા પર જ મૂકીને ભાગી ગયો. પોલીસ આવે તો મને બચાવી લેજો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...