બાળકોને દરરોજ 8.50 રૂપિયાનો ‘પૌષ્ટિક’ આહાર! ભૂલકાંઓ સાથે સરકારની મશ્કરી

બાળકોને દરરોજ 8.50 રૂપિયાનો ‘પૌષ્ટિક’ આહાર! ભૂલકાંઓ સાથે સરકારની મશ્કરી

રાજકીય મેળાવડાઓમાં નેતાઓ માટે ત્રણ-હજાર રૂપિયાની ડીશનું ભોજન રાખતી ગુજરાત સરકારે હવે આંગણવાડીના બાળકોને પ્રતિદિન 8.50 રૂપિયાનો ‘પૌષ્ટિક’ ખોરાક આપવાનું નક્કી કર્યું છે. સરકારે પોરસ કરતા એવું જણાવ્યું છે કે, અત્યાર સુધી બાળક દીઠ 5.10 રૂપિયાની રકમ અપાતી હતી. જેમાં હવે પાવર પેકના નામે 3.40 રૂપિયાનો વધારો કરાયો છે. આટલી રકમમાં તો બાળકના દૈનિક મેનુમાં મગ, કઠોળ, દાળ, ચણા, શાકભાજી અને ફળોનો ઉમેરો કરી દેવાનો દાવો પણ કરાયો છે.

ગુજરાતમાં ભૂલકાંઓના ભોજનમાં સરકાર જાણે કે રીતસર મશ્કરી કરી રહી હોય, તેવો તાલ જોવા મળી રહ્યો છે. આજના મોંઘવારી સમયમાં 10 રૂપિયામાં નમકીનનું એક નાનું પડીકું માંડ આવે છે. ત્યારે સરકાર તેનાથી ઓછી રકમ 8.50 રૂપિયા બાળકોને પૌષ્ટિક નાસ્તો અને ભોજન આપવાના દાવા કરી રહી છે. વાત કઈંક એમ છે કે, ગુજરાતમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા 3થી 6 વર્ષના 16.17 લાખ બાળકોને નાસ્તો અને ભોજન આપવામાં આવે છે. અત્યાર સુધી પ્રતિ બાળક 5.10 રૂપિયા રકમ આ નાસ્તા કે ભોજન પેટે આપવામાં આવતી હતી. તેમાં પણ 50 ટકા રકમ કેન્દ્ર સરકાર ભોગવતી હતી અને 50 ટકા રાજ્ય સરકાર આપતી હતી. હવે રાજ્ય સરકારે આ રકમમાં 3.40 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે પ્રતિ બાળક દરરોજના નાસ્તા કે ભોજન પેટે 8.50 રૂપિયાની રકમ આપવામાં આવશે.

>તુવેર દાળ: 1.24 રૂપિયા

>આખા ચણા: 0.85 રૂપિયા
>આખા મગ: 1.30 રૂપિયા
>ગોળ: 0.53 રૂપિયા
>લીલા શાકભાજી: 0.83 રૂપિયા
>ફળો: 2.00 રૂપિયા
>સિંગદાણા/તલ: 0.65 રૂપિયા
>મસાલા: 0.65 રૂપિયા
>પરિવહન: 0.50 રૂપિયા

આટલી રકમમાં બાળકોને કેવો નાસ્તો અને ગરમ નાસ્તો કરાવી શકાય, તે સામાન્ય નાગરિક પણ સમજી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકીય મેળાવડા અને કાર્યક્રમો હોય ત્યારે નેતાઓ માટે ત્રણ-હજાર રૂપિયાની કિંમતના ભોજનની ડીશો રાખવામાં આવે છે. જ્યારે ગુજરાત અને ભારતના ભવિષ્ય એવા બાળકોના ભોજન માટે 8.50 રૂપિયાની મશ્કરી રૂપ રકમ સરકાર આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...