કામગીરીની પોલ ખૂલી : મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો

કામગીરીની પોલ ખૂલી : મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો

વડોદરા શહેરમાં માર્ગો પર પડેલા ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કામગીરીની ગુણવત્તા સામે વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. નટુભાઈ સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપની સામે મુખ્ય માર્ગ પર તાજેતરમાં જ પેચવર્ક કરવામાં આવ્યું હતું. જોકે, ગણતરીના દિવસોમાં જ પેચવર્ક કરાયેલા સ્થળે ભૂવો પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે.

 મુખ્ય માર્ગ પર પડેલો ભૂવો ઉપરથી આશરે એક ફૂટના ગોળ આકારમાં જોવા મળે છે, પરંતુ અંદરથી તેનો વ્યાપ વધુ મોટો હોવાનું જોવા મળ્યું હતું. માર્ગ પર વાહનોની સતત અવરજવર વચ્ચે ભૂવો પડ્યા બાદ પણ તાત્કાલિક બેરિકેડ મૂકવામાં વિલંબ થયો હતો. જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું.
એક મોપેડચાલકે જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર ચાલકો માર્ગની હાલતને લઈને ચિંતામાં છે. રસ્તા પર ક્યાં ખાડો કે ભૂવો પડી ગયો છે તેની સતત નજર રાખીને વાહન ચલાવવું પડે છે. ખાડાના કારણે ટુ-વ્હીલરચાલકનું સંતુલન ખોરવાય તો અકસ્માત સર્જાઈ શકે છે.

બીજી તરફ, એક રાહદારીએ જણાવ્યું હતું કે, આ જ સ્થળે ખાડાના કારણે તેઓ પડી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ પેચવર્કની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. હલકી ગુણવત્તાની કામગીરીને કારણે ગણતરીના દિવસોમાં જ રસ્તાની સ્થિતિ ફરી બગડી જાય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવી હલકી ગુણવત્તાની કામગીરી ભ્રષ્ટાચાર અંગે પણ સવાલો ઊભા કરે છે.

શહેરમાં એક તરફ રસ્તાના ખાડા પૂરવા પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ પેચવર્કના થોડા જ દિવસોમાં ફરી ખાડા અને ભૂવા પડતા હોય તો કામગીરીની ગુણવત્તા અને તેની દેખરેખ અંગે તંત્રએ જવાબ આપવો જરૂરી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...