દીપડો આવી ચઢતાં ઉપરકોટ ખાલી કરાવાયો, વાઘેશ્વરી મંદિરે સિંહ દેખાયો

દીપડો આવી ચઢતાં ઉપરકોટ ખાલી કરાવાયો, વાઘેશ્વરી મંદિરે સિંહ દેખાયો

ગિરનારના સાન્નિધ્યમાં વસેલું ઐતિહાસિક અને ધાર્મિક નગર જૂનાગઢ હવે વન્યપ્રાણીઓ અને પ્રવાસીઓ વચ્ચેના વધતા જતા સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. એક તરફ રાજ્ય સરકાર જૂનાગઢને વિશ્વકક્ષાનું ટૂરિઝમ હબ બનાવવા માટે લાખો રૂપિયાનો પ્રચાર-પ્રસાર કરી રહી છે, જેને પગલે અહીં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. પરંતુ બીજી તરફ, ગિરનારના જંગલમાં સિંહ અને દીપડાની વધતી સંખ્યા વચ્ચે પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા 24 કલાકમાં જ બનેલી બે વન્યજીવ ઘટનાઓએ સ્થાનિક પ્રશાસનની ઊંઘ ઉડાડી દીધી છે અને પ્રવાસીઓની સુરક્ષા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.

પ્રથમ ઘટના ગત રાત્રિના સમયે ગિરનાર દરવાજા નજીક આવેલા પ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે બની હતી. તે સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓ દર્શન કરીને બહાર નીકળી જ રહ્યા હતા, ત્યારે અચાનક મંદિરના દરવાજા પાસે બે સિંહ આવી પહોંચ્યા હતા. સિંહોને જોઈને યાત્રિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સિંહોને સફળતાપૂર્વક જંગલ તરફ ખદેડી મૂક્યા હતા.

બીજી ઘટના આજે બપોર પછી જૂનાગઢના પ્રખ્યાત ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં ઘટી હતી. એ સમયે કિલ્લામાં આશરે 1500થી 2000 જેટલા પ્રવાસીઓની ભારે હાજરી હતી. આ દરમિયાન કિલ્લાની દીવાલ પર એકાએક એક દીપડો આવી ચડતાં પર્યટકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આમ, ગણતરીના કલાકોમાં બનેલી આ બંને ઘટનાઓએ જૂનાગઢ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...