જામનાગરના લાલપુર નજીક આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા રોડ વિસ્તારમાં સોમવારે (31મી ઓગસ્ટ) મોડી રાતે કાર, ઓટોરિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માતમાં રિક્ષાચાલક અને બે યુવાનો સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 2 મહિલા અને 5 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા રોડ પર સોમવારે મોડી રાતે દર્શનાર્થીઓની ભારે અવરજવર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણેય વાહનોનો કચડઘાણ વળી ગયો હતો. બનાવમાં 60 વર્ષીય રિક્ષાચાલક ગુલાબ બારોટ, બાઇક પર સવાર જામનગરના નવીન પઠાણ અને નોમન સમાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોમાં 40 વર્ષીય ધારાબહેન બારોટ, 11 વર્ષીય આશી બારોટ, 10 વર્ષીય અંજલી મોખરા, 10 વર્ષીય ક્રિશ મોખરા,, 55 વર્ષીય ચંદ્રિકાબહેન મોખરા, 13 વર્ષીય દર્શન બારોટ અને 15 વર્ષીય પરમ રાજેશનો સમાવેશ થાય છે.
અકસ્માત બાદ નજીકના સેવા કેમ્પના યુવાનો અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની 3 ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત અંગે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
