પેરિસ મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

પેરિસ મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

અમદાવાદના પ્રખ્યાત નમસ્તે સર્કલની જેમ હવે ફ્રાન્સના પેરિસમાં પણ ‘નમસ્તે’ શિલ્પ સાથેનું સર્કલ આકાર પામ્યું છે. મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં નવા ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

એવન્યુ દુ જનરલ-દ-ગોલ રોડ પર આવેલા સર્કલ પર એક ખાસ શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ‘નમસ્તે’ કરતા બે હાથ બતાવવામાં આવ્યા છે, જે સ્વાગત, આદર અને નમ્રતાનો સંદેશ આપે છે. શહેરના મુખ્ય રસ્તા પર હોવાથી, બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને આ શિલ્પ પ્રેમથી આવકારે છે. આ સાથે જ, આ ‘નમસ્તે’ શિલ્પ એ પણ દર્શાવે છે કે આ શહેરમાં અલગ-અલગ સંસ્કૃતિના લોકો હળીમળીને રહે છે અને સૌનું સન્માન થાય છે.

જેમ કે, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતું ‘રોં-પોઇન્ટ દુ લાઓસ’ ખાતે મૂકેલું 3 મોઢાવાળા હાથીનું શિલ્પ, કમ્બોડિયાના વારસા અને કરુણાનું પ્રતીક ગણાતું ‘રોં-પોઇન્ટ ફ્નોમ પેન્હ’ ખાતે આવેલું સેન્ડસ્ટોનનું બાયોન શિલ્પ અને વિયતનામી શરણાર્થીઓની યાદમાં ‘રોં-પોઇન્ટ સાઇગોન’ ખાતે બનાવેલું ‘લે રેવ દ લા મેર’ શિલ્પ. હવે આ તમામ સાંસ્કૃતિક પ્રતીકોની સુંદર યાદીમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ‘નમસ્તે’ શિલ્પ પણ ઉમેરાઈ ગયું છે.

બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં 13 દિવસ સુધી ચાલનારા વિશિષ્ટ સાંસ્કૃતિક મહોત્સવ ‘ફેસ્ટિવલ ઑફ કલ્ચર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉત્સવ ફ્રાન્સમાં પરંપરાગત શૈલીમાં બનેલા પ્રથમ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન અને લોકાર્પણના આનંદમાં ઉજવવામાં આવી રહ્યો છે.

BAPSના આનંદસ્વરૂપદાસ સ્વામીએ નમ્રતાનો અનોખો સંદેશ આપતાં કહ્યું કે, ‘નમ્રતા આપણને ત્રણ મહત્ત્વની બાબતો શીખવે છે – બીજાઓ પાસેથી કંઈક નવું શીખવું, સૌનો આદર કરવો અને સેવા ભાવ રાખવો. માણસનો અહંકાર જેમ ઘટે છે, તેમ સેવા કરવાની ભાવના વધે છે. આ ગુણો ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા છે અને તે ફ્રાન્સના શિષ્ટાચાર, સન્માન તેમજ માનવીય બંધુત્વ જેવા મૂલ્યો સાથે એક મજબૂત સાંસ્કૃતિક સેતુ બાંધે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...