અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો ગ્રાફ અત્યંત ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી દ્વારા જારી કરાયેલી કડક માર્ગદર્શિકા છતાં, રાજ્યના હાઈવેથી લઈને સ્માર્ટ સિટી અમદાવાદના આંતરિક રસ્તાઓ પર સ્પીડ લિમિટના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે રાજ્યમાં થતા જીવલેણ અકસ્માતોમાંથી 95 ટકા કરતાં વધુ અકસ્માતો માત્ર અને માત્ર ઓવરસ્પીડિંગના કારણે થાય છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફોર-વ્હીલર માટે 70 કિમી/કલાક અને ટૂ-વ્હીલર માટે 60 કિમી/કલાકની મર્યાદા નક્કી કરાઈ છે. જોકે, એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ કે સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે કે દિવસ દરમિયાન પણ વાહનો આ મર્યાદા કરતાં બમણી કે તેથી પણ વધુ ઝડપે દોડે છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ડેટા અનુસાર, ગુજરાતમાં રોજના સરેરાશ 48થી વધુ અકસ્માતો થાય છે, જેમાં રોજના 21થી વધુ નાગરિકો જીવ ગુમાવે છે. કુલ જીવલેણ અકસ્માતોમાંથી 95 ટકા અકસ્માતો તો ઓવરસ્પીડિંગના કારણે જ થાય છે.
વર્ષ 2026ના જુલાઈ મહિના સુધીમાં રાજ્યમાં અકસ્માતનો આંકડો 16,112 પર પહોંચ્યો છે, જે અગાઉના આખા વર્ષના કુલ આંકડાના 88 ટકા છે. વર્ષ 2026ની શરૂઆતથી જ અત્યાર સુધીમાં માર્ગ અકસ્માતમાં ઈજાઓની ઘટનામાં પણ 28.3 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં અમદાવાદ સમગ્ર રાજ્યમાં મોખરે છે. આમ, અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં બહુ ભયાનક અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
નિષ્ણાતોના મતે, હાઈવે પર પૂરતી સ્પીડ ગન કે ઓટોમેટેડ ચલાન સિસ્ટમનો ભારે અભાવ છે. ગીચ વિસ્તારોમાં સ્પીડ મર્યાદિત કરવાના નિયમો (જેમ કે ટ્રાફિકવાળા વિસ્તારોમાં સ્પીડ 30 કિમી રાખવી) કાગળ પર જ રહ્યા છે. આ ઉપરાંત હેલ્મેટ ન પહેરવું (જે 76 ટકા મૃત્યુમાં કારણભૂત છે) અને સીટ બેલ્ટનો અભાવ પણ અકસ્માતને જીવલેણ બનાવે છે. જ્યાં સુધી તંત્ર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઓવરસ્પીડિંગ સામે કડક દંડ અને સીસીટીવી ઈ-ચલાનનું 24 કલાક સચોટ મોનિટરિંગ નહીં કરે, ત્યાં સુધી ગુજરાતના રસ્તાઓ પર લોહી રેડાતું અટકશે નહીં.
