વિધાનસભા ચૂંટણીઓ વખતે જનતાને મોટા-મોટા દાવાઓ અને મફતની યોજનાઓની લ્હાણીઓ કરીને મત લેવાની ઘટના નવી નથી. આ જ બાબતમાં હવે ગોવાની ભાજપ સરકારે પણ રાજ્યના નાગરિકો માટે મફત રેવડી વિતરણની એક મોટી જાહેરાત કરી દીધી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર લોકોને દર વર્ષે 3 LPG ગેસ સિલિન્ડર મફત આપશે. આ યોજના હેઠળ દર વર્ષે ₹3,000ની રકમ સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના માટેના અરજી ફોર્મ 5 સપ્ટેમ્બરથી પંચાયતો અને ધારાસભ્યોની ઑફિસમાંથી મળવાના શરૂ થશે, જ્યારે 9 સપ્ટેમ્બરથી આ રકમ ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ મફત યોજનાનો લાભ માત્ર ગોવાના મૂળ નિવાસીઓને જ મળશે અને અન્ય કોઈ પણ રાજ્યના લોકો આ માટે પાત્ર રહેશે નહીં. યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છા ધરાવતા નાગરિકોએ અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. લાભાર્થીઓએ આવેદન સાથે પોતાની બેન્ક પાસબુક, આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડની કોપી આપવાની રહેશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ રકમ સીધી બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
સરકારની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા તણાવ અને ઊર્જા પુરવઠો ખોરવાવાને કારણે એલપીજીના ભાવમાં વધારો નોંધાયો છે. ભારતમાં એલપીજીના વધતા ભાવ વચ્ચે લોકો પર આર્થિક બોજ વધ્યો છે, જેને ઘટાડવા સરકારે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. બીજી તરફ ભારત સરકાર એલપીજી પરનો વપરાશ ઘટાડીને PNG તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે ગોવા સરકારની આ પહેલથી ગૃહિણીઓ અને ગરીબ પરિવારોને આર્થિક રીતે મોટો આશરો મળશે.
