તહેવારો ટાણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાનો કાળો કારોબાર ફાલીફૂલ્યો છે, ત્યારે નળ સરોવર પોલીસે નશાકારક કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કરીને સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સાણંદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા બાદ, હવે સ્થાનિક LCB અને SOG ટીમની નિષ્ક્રિયતા વચ્ચે નળ સરોવર પોલીસ મથકના PI એમ.કે. પિયેજા અને તેની ટીમે 24 કલાકના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ સફળ દરોડા પાડીને મોટી કાર્યવાહી આચરી છે.
નળ સરોવર પોલીસે બાતમીના આધારે સાણંદ તાલુકાના ઉપરદળ ગામે દરોડો પાડ્યો હતો. જ્યાંથી શંકાસ્પદ સ્વિફ્ટ કારમાંથી 80 બોટલ નશાકારક કફ સીરપ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર હરશન કોળીપટેલ અને કમલેશ સોલંકીને અટકાયતમાં લઈ કફ સીરપ, કાર તથા અન્ય સામગ્રી મળી કુલ 5.32 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરતાં આ રેકેટના મુખ્ય સપ્લાયર સદ્દામ ખલીફાનું નામ સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સદ્દામ ખલીફાની અટકાયત કરી હતી. તેની સઘન પૂછપરછ બાદ આરોપી સદ્દામે બાવળાના દેવડથલ ગામ નજીક આવેલા ડાંગરના ખેતરમાં સંતાડેલી વધુ 370 બોટલ કફ સીરપનો જથ્થો મળ્યો હોતો.
પોલીસે બંને દરોડા દરમિયાન મળીને 98,550 રૂપિયાની કિંમતની કુલ 450 બોટલ કોડેઈનયુક્ત કફ સીરપ સીઝ કરી છે. આ નશાકારક કફ સીરપના કાળા કારોબારના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં તપાસ લંબાવતાં બાવળાના ‘અનીયા’ નામના શખસનું નામ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર અનીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
