દ્વારકા જિલ્લામાં વીજચોરી સામે PGVCLની સતત પાંચમા દિવસે પણ તવાઈ

દ્વારકા જિલ્લામાં વીજચોરી સામે PGVCLની સતત પાંચમા દિવસે પણ તવાઈ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પીજીવીસીએલની વિજિલન્સ કચેરી દ્વારા વીજચોરી સામે મોટા પાયે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સતત પાંચમા દિવસે પણ વીજચોરી શોધવા માટે સઘન ચેકિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથક સહિતના વિસ્તારોમાં આજે વીજચોરીના કનેક્શનો શોધવા માટે ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશમાં આશરે 35 જેટલી વીજ ચેકિંગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. વીજચોરીના કેસોમાં કાયદેસરની કાર્યવાહી માટે વીજ પોલીસની અલગ અલગ ચાર ટીમો પણ ચેકિંગમાં જોડાઈ છે. તેમાં જામનગર, રાજકોટ, ભુજ અને જૂનાગઢની વીજ પોલીસની ટીમોનો સમાવેશ થાય છે.

વીજચોરી સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પ્રથમ ચાર દિવસમાં કુલ 269 વીજચોરીની ફરિયાદો નોંધાઈ છે. દિવસવાર આંકડા પ્રમાણે સોમવારે 73, મંગળવારે 70, બુધવારે 71 અને ગુરુવારે 55 ફરિયાદો નોંધાઈ હતી.

આ કાર્યવાહીમાં નોંધાયેલી ફરિયાદોમાંથી રૂ.1 લાખથી વધુની વીજચોરીવાળી 110 ફરિયાદો છે. જ્યારે રૂ.13 લાખની વીજચોરીની 1 ફરિયાદ તથા રૂ.5 લાખની વીજચોરીની 9 ફરિયાદો નોંધાઈ છે. મોટી રકમની વીજચોરીના કેસો સામે વીજ વિભાગ દ્વારા નિયમ મુજબની વસૂલાત તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ચેકિંગ દરમિયાન લાલપુર સબ ડિવિઝનના હેઠળ ના વિસ્તારમાં એક બાંધકામના ધંધાર્થી પાસેથી આશરે રૂ.13 લાખની વીજચોરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળે અગાઉ પણ વીજચોરી ઝડપાઈ હતી અને બીજી વખત વીજચોરી કરતાં પકડાયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત નગરસીમ વિસ્તારમાંથી પણ આશરે રૂ.6 લાખની વીજચોરી પકડાઈ છે. આ મોટી વીજચોરીના કેસો ઉપરાંત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા ઔદ્યોગિક એકમો, રહેણાંક મકાનો અને અન્ય સ્થળોએ પણ વીજ જોડાણોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આજે પાંચમા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ મીટર, જોડાણો અને વીજ વપરાશની તપાસ કરવામાં આવી રહી છે. વીજચોરી જણાય તેવા કિસ્સામાં સ્થળ પર જ કાર્યવાહી કરી નિયમ મુજબના બિલ અને ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પીજીવીસીએલ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ કરવામાં આવેલી આ વ્યાપક વીજચોરી વિરોધી ઝુંબેશના કારણે વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પાંચમા દિવસે પણ વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ટીમો ચેકિંગમાં ઉતરી પડતાં વીજચોરી સામેની કાર્યવાહી વધુ તેજ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...