એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ સમારોહની પરંપરાઓ પર ભારે પડી ગયો હતો.રાષ્ટ્રપતિની સુરક્ષાના કારણે યુનિવર્સિટી સત્તાધીશોને ઘણા બધા મુદ્દાઓ પર સમાધાન કરવાનો વારો આવ્યો હતો.
સ્ટેજ પર માત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ગુજરાત સરકારના બે મંત્રી, ચાન્સેલર અને વાઈસ ચાન્સેલરને સ્થાન મળ્યું હતું.જ્યારે બીઓએમ અને ઈસીના સભ્યોને નીચે બેસાડવામાં આવ્યા હતા.રજિસ્ટ્રારને પણ સ્ટેજ પર સ્થાન મળ્યું નહોતું.સુરક્ષાના કારણે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના મોબાઈલ જપ્ત કરી લેવાયા હતા.
જે તેમને કાર્યક્રમ બાદ પરત અપાયા હતા.બીજી તરફ પહેલી હરોળ રાષ્ટ્રપતિની સાથેના સ્ટાફ માટે અનામત રખાઈ હતી.જેના કારણે શહેર ભાજપના પ્રમુખ સહિતના પદાધિકારીઓને પણ પહેલી હરોળમાં બેસવા દેવાયા નહોતા અને બીજી હરોળમાં બેસવા માટે કહેવાયું હતું.સમારોહની શરુઆતમાં દરેક ફેકલ્ટી ડીન પોતાની ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે તે એનાઉન્સ કરતા હોય છે.
રાષ્ટ્રપતિ પાસે સમય ઓછો હોવાથી ફેકલ્ટી ડીન્સની જગ્યાએ રજિસ્ટ્રારે ઔપચારિકતા પૂરી કરી હતી.કાર્યક્રમમાં યુનિવર્સિટી ગીત શરુઆતની જગ્યાએ અંતમાં ગવાયું હતું.રાષ્ટ્રપતિએ ૩૦ ગોલ્ડ મેડલ આપ્યા હતા.તેઓ રવાના થઈ ગયા હતા.બાકીના મેડલ યુનિવર્સિટીના ચાન્સેલર અને વાઈસ ચાન્સેલરના હસ્તે અપાયા હતા.
ડોમ ભઠ્ઠી બન્યો, રેઢિયાળ વ્યવસ્થાના કારણેે વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ગરમીમાં શેકાયાવરસાદની શક્યતાઓના કારણે પદવીદાન સમારોહના માટે બંધાયેલો જર્મન ડોમ આકરી ગરમીના કારણે આમંત્રિતો માટે ભઠ્ઠી સમાન બની ગયો હતો.સ્ટેજ પર તો કૂલર અને એસીની વ્યવસ્થા હતી પણ આમંત્રિતો માટે પૂરતી વ્યવસ્થા નહીં કરાતા આમંત્રિતોની સાથે વિદ્યાર્થીઓ પણ પરસેવે રેબઝેબ થયા હતા.અધુરામાં પુરુ લોકોને આકરી ગરમી વચ્ચે તરસ્યા રહેવું પડયું હતું.કારણકે સુરક્ષાના નામે પાણીની બોટલને મંજૂરી અપાઈ નહોતી.
