ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામે જૂની બોલાચાલીની દાઝ રાખી એક યુવક પર પાઇપ, લાકડાના ધોકા અને છરી વડે લોહિયાળ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. લોટ દળાવીને પોતાના ઘર તરફ જઇ રહેલા ખેડૂત પર ગામના જ પાંચ શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
વિગતો અનુસાર, મહુવાના બિલાડી ગામ વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ ધનજીભાઈ કવાડ (ઉ.વ. ૨૯) ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૮થ૦૦ વાગ્યાના સુમારે ગામમાં લોટ દળાવી પોતાના મોટરસાઇકલ પર વાડી વિસ્તારમાં આવેલ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન નાનજીભાઈની વાડી સામે ભરત ધીરુભાઈ ધુંધળવા, રસિક ધીરુભાઈ ધુંધળવા અને વિજય ભરતભાઈ ધુંધળવાએ બાઇક પર આવી તેમનો રસ્તો રોક્યો હતો.
અગાઉ રસ્તે ચાલવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી ત્રણેયે ગાળો આપી હુમલો કર્યો હતો.ભરતએ લોખંડના પાઇપ વડે, રસિકભાઈએ લાકડાના ધોકા વડે વાંસાના ભાગે માર માર્યો હતો, જ્યારે વિજયએ છરી વડે જમણા પગના ગોઠણ નીચેના ભાગે ઘા મારી દીધો હતો. ત્યારબાદ આકાશ ભરતભાઈ અને વિઠ્ઠલ જાદવભાઈ ધુંધળવા પણ આવી પહોંચ્યા હતા અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત સંજયભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ મહુવા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ સામે બીઆરએસ કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી મહિલા એ.એસ.આઈ. પી.આર. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
