કોર્પોરેશનની કચેરીની આસપાસમાં જ દંડાત્મક કાર્યવાહી થાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો, પોલીસ-કોર્પોરેશન હટે એટલે ફરી લારીઓ અને પથારાનો જમાવડો

કોર્પોરેશનની કચેરીની આસપાસમાં જ દંડાત્મક કાર્યવાહી થાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો, પોલીસ-કોર્પોરેશન હટે એટલે ફરી લારીઓ અને પથારાનો જમાવડો

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા તરફ જતા મુખ્ય માર્ગ પર માર્ગની વચ્ચોવચ ઊભી રહેતી ફ્રૂટની લારીઓ અને લગાવવામાં આવતા ફૂટના પથારાને કારણે વાહનચાલકોની મુશ્કેલી યથાવત્ છે. દબાણ દૂર કરવા મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા અવારનવાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કાર્યવાહીનો કાયમી ઉકેલ આવતો નથી.

કોર્પોરેશન કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે ત્યારે થોડા સમય માટે માર્ગ ખુલ્લો જોવા મળે છે. જોકે, કાર્યવાહી પૂર્ણ થયાની ગણતરીની મિનિટોમાં જ ફરી લારીઓ અને પથારા ગોઠવાઈ જતા હોવાના કારણે મુખ્ય માર્ગનો એક તરફનો ભાગ બંધ થઈ જાય છે. પરિણામે વાહનચાલકોને રોજ ટ્રાફિકની હાલાકી ભોગવવી પડે છે.

ખંડેરાવ માર્કેટ તરફનો આ માર્ગ શહેરના વ્યસ્ત માર્ગોમાનો એક છે. મેયર સહિતના હોદ્દેદારો અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ રોજ આ માર્ગ પરથી પસાર થાય છે. તેમ છતાં માર્ગ પરના દબાણની સમસ્યાથી વાકેફ હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો ન હોવાના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.
લારીઓ અને પથારા માર્ગ પર આવી જતા વાહનચાલકો માટે પસાર થવાની જગ્યા સાંકડી બની જાય છે.

સામસામે વાહનો આવી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને અકસ્માતનો ભય રહે છે. રસ્તા પર જગ્યા માટે વાહનચાલકો તથા લારી-પથારાવાળાઓ વચ્ચે માથાકૂટની ઘટનાઓ પણ બનતી હોવાની ફરિયાદો છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો વારંવાર દંડાત્મક કાર્યવાહી છતાં ગણતરીની મિનિટોમાં ફરી દબાણ થઈ જતું હોય તો માત્ર કાર્યવાહી કરવાને બદલે દબાણ ફરી ન થાય તેવી કાયમી વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...