ચીન અરૂણાચલ પર ભારતીય સૈન્ય નહીં કુદરતના કારણે હુમલો નથી કરતું?

ચીન અરૂણાચલ પર ભારતીય સૈન્ય નહીં કુદરતના કારણે હુમલો નથી કરતું?

ચીનના લોકપ્રિય ઓનલાઇન મીડિયા પ્લેટફોર્મ સોહુ પર પ્રકાશિત એક તાજા અને વિશ્લેષણાત્મક અહેવાલમાં તે ચાર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના લીધે ચીન હજી અરૂણાચલ પ્રદેશ પર હુમલો કરી રહ્યું નથી. આ લેખમાં ચીની વિશ્લેષકોએ સ્વીકાર્યુ છે કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ભારતના અરુણાચલ પ્રદેશમાં કોઈ મોટું લશ્કરી જોખમ ખેડવાની સ્થિતિમાં નથી.

જો કે આ અહેવાલથી તે પણ ખબર પડે છે કે ચીન ભારતને ફક્ત જુદી-જુદી પરિસ્થિતિઓમાં ફસાવી રહ્યુ છે અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ લેખ ત્યારે પ્રકાશિત કરવામાં આવ્યો છે જ્યારે ચીનના પ્રીમિયર જિનપિંગ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી આવી શકે તેવી સંભાવના છે. તેથી આ વાત ચીનના પ્રોપગેન્ડાનો હિસ્સો પણ હોઈ શકે છે.

ભારતીય લશ્કરના પૂર્વ અધિકારી અંશુમન નારંગે લખ્યું છે કે આ લેખ હકીકત પર પ્રકાશ પાડે છે. ચીન હજી ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરી રહ્યું છે. મલ્ટી ડાયમેન્શનલ તરીકે રણનીતિક ઝોન તૈયાર કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ચીન સરહદની જોડે વિવાદાસ્પદ બોર્ડર એરિયાની પાસે એવી વસ્તીઓ બનાવી રહ્યુ છે જેને બદલી નહી શકાય.

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે અરૂણાચલ પ્રદેશમાં ચીનનું વાસ્તવિક દુશ્મન ભારતીય લશ્કર નહીં, પરંતુ પ્રકૃતિ છે. ઠંડીના સમયગાળામાં ચીન ત્યાં સતત પુરવઠો પૂરો પાડવાની સ્થિતિમાં હોતું નથી. ચીન અરૂણાચલમાં જમીન પર વિજય તો મેળવી શકે છે, પરંતુ ફ્રન્ટ લાઇન પર ગોઠવવામાં આવેલા સૈનિકોને રાતોરાત માલસામગ્રી અને ખાવાપીવાનો પુરવઠો પૂરો પાડી શકાય તેમ નથી.

અહેવાલમાં સ્પષ્ટપણે કબૂલવામાં આવ્યું છે કે અરૂણાચલ સરહદ પર ચીનનું દુશ્મન કુદરત છે. અહીંની અત્યંત ભયંકર ભૌગોલિક સ્થિતિ, વિષમ વાતાવરણ અને શિયાળામાં કપાઈ જતી પુરવઠા લાઇન છે. ચીનને આજે પણ તે વાતનો ડર છે કે જો તે અરૂણાચલ સરહદે કોઈ ઉતાવળિયુ પગલું ભરે છે તો દુર્ગમ પહાડો વચ્ચે તેનું લશ્કર અનાજપાણી, ઇંધણ અને ગોળીબાર વચ્ચે અલગ પડી જશે. તેણે ભારે પરાજયનો સામનો કરવો પડશે.

એક સમયે અરૂણાચલ પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ભારતે બહુ ઓછું કામ કર્યુ હતુ, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. નિવૃત્ત લશ્કરી અધિકારી અંશુમાન નારંગે લખ્યું છે કે અરૂણાચલ પ્રદેશમાં ચાલતા રાષ્ટ્રીય સુપર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ વાસ્તવમાં વિવાદાસ્પદ વિસ્તારમાં મૌસમી હાજરી અને નિષ્ક્રીય અવરોધથી બદલીને આપણા પક્ષ માટે એક ટકાઉ, સામાન્ય અને સ્થાયી વ્યૂહાત્મક સીમામાં બદલાઈ રહી છે. નવા હાઈવે, પૂરી થયેલી દરેક સુરંગ અને શરુ કરાયેલી દરેક નવી સગવડ લશ્કરી જોખમ ઘટાડે છે અને રાજકીય સમાધાન માટે જગ્યા બનાવે છે અને આપણું સાર્વભૌમત્ત્વ મજબૂત કરે છે. ચીન હવે જાણી ગયુ છે કે અરૂણાચલ જીતવું તેના માટે શક્ય નથી, તેથી તે યુદ્ધના બદલે ડિપ્લોમસી પર વિચાર કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...