ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા!

ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા!

ખાંડ અને ગોળના ભાવમાં ૨.૭ ટકાના દરે છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં વધારો થતાં મીઠાઈઓ, ચોકલેટ્સ સહિત ખાંડ-ગોળમાંથી બનતી પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના લાડુથી લઈને નવરાત્રિ અને દિવાળીની મીઠાઈઓ મોંઘી પડશે. તહેવારો પહેલાં દેશમાં મીઠાઈઓના ભાવમાં ૬-૭ ટકાનો વધારો ઝીંકાય તેવી શક્યતા છે. મીઠાઈ, ચોકલેટ્સ, બિસ્કિટ જેવી પ્રોડક્ટ આગામી મહિનાઓમાં મોંઘી થઈ જાય તેવી ભીતિ છે. ખાંડના ભાવ વધતાં સરવાળે લોકોના તહેવારો મોંઘા થશે. ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ જશે. ખાંડના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં હજુય કિલોનો ભાવ ૬૨ રૂપિયા હોવાથી આ સ્થિતિ આવી છે.

કન્ઝયૂમર મંત્રાલયના આંકડાં પ્રમાણે જુલાઈમાં રિટેઈલ ખાંડનો કિલોનો ભાવ ૪૭ રૂપિયા હતો. મહિનાના અંતે ૪૮.૧૮ રૂપિયા સુધી પહોંચ્યો હતો. તે પછી દર મહિને ખાંડના ભાવમાં સરેરાશ ૨.૭ ટકાના દરે વધારો થતો રહ્યો છે. ખાંડના ભાવ ૭૦ સુધી પહોંચી ગયા પછી હવે ૩.૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, તે છતાં રિટેઈલ ખાંડનો કિલોનો ભાવ અત્યારે ૬૨.૫૭ રૂપિયા બોલી રહ્યો છે. એટલું જ નહીં, ગોળના ભાવમાં પણ જુલાઈથી દર મહિને ૧.૭૫ ટકાનો વધારો ઝીંકાયો છે. ગોળમાં વાર્ષિક વૃદ્ધિદર ૬.૨૮ સુધી પહોંચી ચૂક્યો છે.

ખાંડ અને ગોળના ભાવમાં આટલો તોતિંગ વધારો થતાં તેની સીધી અસર સ્વીટ્સ અને ચોકલેટ્સના ઉત્પાદન પર થઈ છે. છેલ્લાં ત્રણ જ મહિનામાં મીઠાઈઓની બનાવટના ભાવમાં ૬.૦૮ ટકાનો વધારો થયો છે. ખાંડ અને ગોળના ભાવ વધવાની સાથે મીઠાઈ બનાવતી કંપનીઓ અને દુકાનોએ કિંમત વધારી દીધી છે. એવી પણ દહેશત છે કે તહેવારોની સીઝન માટે બનતા પેકેટ્સના ભાવ તો વધશે જ, સાથે સાથે વજન પણ ઘટી જશે. ધારો કે કિલોના પેકેટ્સના મીઠાઈના ભાવ ગયા વર્ષે હતા એનાથી વધે તો ખરા જ, સાથે સાથે પેકેટ્સની સાઈઝ કિલોને બદલે ૯૦૦ ગ્રામ કે ૯૫૦ ગ્રામ થઈ જાય એવી શક્યતા પણ નકારી શકાતી નથી.

મીઠાઈઓ ઉપરાંત ચોકલેટ્સ, બિસ્કિટ સહિત જેટલી પણ પ્રોડક્ટમાં ખાંડનો ઉપયોગ થાય છે તે તમામમાં પાંચથી સાત ટકા કે મેક્સિમમ ૧૦ ટકા સુધીનો ભાવ વધારો મંડરાઈ રહ્યો છે. તહેવારોમાં ખાંડની માંગમાં વધારો થતો હોય છે. ખાસ તો જન્માષ્ટમીથી લઈને ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ભારતીય ઘરોમાં નૈવેધથી માંડીને મીઠાઈઓ બનાવવા સુધી ખાંડની ડિમાન્ડ વધે છે. એટલું જ નહીં, તૈયાર મીઠાઈઓ, ચોકેલેટ્સ, કૂકીઝના ગિફ્ટ પેકની ડિમાન્ડ વધતી હોવાથી આવી પ્રોડક્ટ બનાવતી કંપનીઓના પ્રોડક્શનમાં વધારો થાય છે. તેમની ખાંડની ડિમાન્ડ વધી જાય છે.જોકે, છેલ્લાં સાત વર્ષથી ખાંડના ભાવ નિયંત્રણમાં હોવા છતાં મીઠાઈઓ-ચોકલેટ્સની કિંમતમાં ૫.૫ ટકાના દરે વૃદ્ધિ થઈ છે. ખાંડના ભાવમાં જ આટલો તોતિંગ વધારો થતાં આ ભાવવધારો તહેવારોમાં મીઠાઈઓનો સ્વાદ કડવો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...