ગુજરાતના 1600 કિલોમીટર સાગરકાંઠા વિસ્તારમાં 45.61 લાખ હેક્ટરમાં ખેતીવાડી થાય છે. એમાંથી 28000 હેક્ટર જમીનમાં નાળિયેરીનું વાવેતર થાય છે. આ જમીનમાંથી એકલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો બંનેનો મળીને કુલ હિસ્સો 17500 હેક્ટર થવા જાય છે. એક હેક્ટર જમીનમાં કુલ 177 નાળિયેરી વાવેતરનો સમાવેશ થાય છે. જેમાં આશરે સરેરાશ 13000 નાળિયેરનું ઉત્પાદન આવે છે. આ રોકડિયા પાકને હાલ સરકારે નાળિયેરીની બીટી જાતને વેગ આપવા માટે સારા પ્રોત્સાહન આપવાનું ચાલુ કરતા જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે 130થી 200 હેક્ટરમાં વાવેતરનો વધારો થતો જાય છે. આવો જ વધારો ગીર સોમનાથ જિલ્લામાં જ થાય છે.
સોરઠના બે જિલ્લાઓ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા અને દરિયાઈ વિસ્તારો, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવેતર થાય છે. સરકારે નાળિયેરના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે વાવેતર ઈન્સેટિવ્સ આપવાનું પણ ચાલુ કર્યું છે. અગાઉ એક હેક્ટરે 11700 રૂપિયાનું પ્રોત્સાહન મળતું હતું. હવે રાજ્યસરકારે ચાર હેક્ટર સુધી આવુ પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું છે. એમાં પ્રતિ હેક્ટર 37500 રૂપિયા લેખે કુલ મળીને 1.50 લાખ રૂપિયા અપાય છે. જ્યારે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ બે હેક્ટર સુધીની મર્યાદામાં પ્રતિ હેક્ટર 16 હજાર લેખે 32 હજાર રૂપિયા અપાય છે. જો કે ખેડૂત બેમાંથી એક જ વળતર પસંદ કરી શકે છે. આ યોજના બીટી નાળિયેરી માટે છે.
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ભલે વેચાણ વ્યવસ્થા અલગ ન હોય પણ ખેડૂતોએ સ્વતંત્ર વેચાણ વ્યવસ્થા ઉભી કરી લીધી છે. માંગરોળમાં વાડીઓમાંથી જ સીધું વેચાણ થાય છે અને ટ્રકો ભરાઈને છેક મુંબઈ સુધી પહોંચી જાય છે. તો ચોરવાડ પાસેના કુકસવાડા તથા ગડુમા લીલા નાળિયેરોનો મોટો કારોબાર થાય છે. અન્ય રાજ્યોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતો હોવાથી સાઉથના લીલા નાળિયેર ખરીદવા પોષાતા નથી. આથી સૌરાષ્ટ્રના લીલા નાળિયેરના વાર્ષિક વેચાણનો આંકડો કરોડોએ આંબી જાય છે. એમાં યે ગડુથી ચોરવાડ જતાં કાણેક સુધી એ પછી ચોરવાડથી માંગરોળ જતા અને કેશોદ તરફથી માંગરોળ જતા વખતે માનબારાથી માંગરોળ સુધીના વિસ્તારમાં કોઈ જાય તો એને દ. ભારતમાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે આવી જ રીતે માધવપુરથી પોરબંદરના પટ્ટામાં પણ અનેક જગ્યાએ મનમોહક નાળિયેરીઓ મન મોહી લે છે. જૂનાગઢ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નાળિયેરની નિકાસ થાય છે.
