સૌરાષ્ટ્રથી હરિદ્વાર સુધીની રેલવે કનેક્ટિવિટી સુધારવાની આશા વચ્ચે ત્રણ ટ્રેન સેવાઓને મંજૂરી મળ્યાના મહિનાઓ બાદ પણ મુસાફરોના મનમાં એક જ સવાલ છે કે, ટ્રેન ક્યારે શરૂ થશે? રેલવે બોર્ડની ૩૦ જુલાઈ, ૨૦૨૬ની બેઠકમાં હરિદ્વાર-વેરાવળ અને હરિદ્વાર-ઓખા નવી એસી એક્સપ્રેસ શરૂ કરવા મંજૂરી અપાઈ હતી. જો કે, નવી એસી ટ્રેનો શરૂ થવાની ચોક્કસ તારીખ જાહેર થઈ નથી. દિવાળી પણ આવી છતાં નવી ટ્રેનો હજુ ‘ઓફ ટ્રેક’ છે.
રેલવે બોર્ડની મંજૂરીથી સૌરાષ્ટ્રના મુસાફરોને સોમનાથ અને દ્વારકાથી હરિદ્વાર સુધી સીધી રેલવે સેવા મળવાની આશા જાગી હતી. આ નિર્ણયને રાજકીય સ્તરે પણ પ્રચારિત કરવામાં આવ્યો હતો. પરંતુ મુસાફરો માટે જાહેરાત કરતાં અમલ વધુ મહત્ત્વનો છે. ટ્રેન નંબર, પ્રસ્તાવિત સમયપત્રક અને સ્ટોપેજની વિગતો જાહેર કરવામાં આવી પણ ત્રણ મહિના થવા છતાં હજુ ત્રણેય ટ્રેનો શરૂ થવાની તારીખ નક્કી થઈ નથી. વળી, રેલવે બોર્ડનાં પરિપત્રમાં જણાવ્યું હતુ કે, ત્રણેય નવી ટ્રેનો શરૂ કરવાની તારીખ સંબંધિત રેલવે ઝોન જાહેર કરશે. પરંતુ ત્રણ મહિના બાદ પણ તેનું મુહૂર્ત નીકળ્યું નથી. વહેલીતકે રેલવે તંત્રએ ત્રણેય ટ્રેનો શરૂ થવાની તારીખ, ટિકિટ બુકિંગની શરૂઆત અને જો વિલંબ થનાર હોય તો તેનું કારણ જાહેર કરવું જોઈએ, તેવી મુસાફરોનું કહેવું છે. વળી, સાંસદ જેવા જનપ્રતિનિધિઓ પણ ત્રણેય ટ્રેનોની મંજૂરીની જાહેરાત બાદ ‘જશ’ ખાંટીને ગાયબ થઈ ગયા છે.
રેલવે બોર્ડ દ્વારા મંજૂર સમયપત્રક મુજબ ટ્રેન નંબર ૧૪૩૨૬ હરિદ્વારથી સવારે ૪ વાગ્યે ઊપડી બીજા દિવસે સવારે ૮.૧૫ વાગ્યે વેરાવળ પહોંચવાની છે. પરત ટ્રેન નંબર ૧૪૩૨૫ વેરાવળથી સવારે ૧૧.૦૫ વાગ્યે ઊપડી બીજા દિવસે સાંજે ૬ વાગ્યે હરિદ્વાર પહોંચવાની યોજના છે. આ સેવા બંને દિશામાં અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની દરખાસ્ત છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૧૪૩૨૮ હરિદ્વારથી શુક્રવારે સવારે ૪ વાગ્યે ઊપડી બીજા દિવસે સવારે ૮.૧૫ વાગ્યે ઓખા પહોંચવાની છે. પરત ટ્રેન નંબર ૧૪૩૨૭ ઓખાથી શનિવારે સવારે ૧૦.૨૦ વાગ્યે ઊપડવાની છે. આ સેવા અઠવાડિયામાં એક દિવસ ચલાવવાની યોજના છે.
