હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં દરોડા અમદાવાદ-વડોદરાના 5 સહિત 38 સામે ગુનો

હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં દરોડા અમદાવાદ-વડોદરાના 5 સહિત 38 સામે ગુનો

રાજકોટનાં ડેકોરા ગુ્રપનાં ચિરાગ અરવિંદ પટેલનાં જન્મદિવસને અનુલક્ષીને એડવાન્સમાં કાલાવડ રોડ પરની સરાઝા હોટલમાં યોજાયેલી પાર્ટીમાં જ્યાં દારૂબંધી નથી ત્યાંની હોટલોની જેમ ખુલ્લેઆમ દારૂ પીરસાતો હતો. આ હાઇ-પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી ઉપર ગઇકાલે રાત્રે એલસીબીનાં સ્ટાફે દરોડો પાડી 35 નબીરાઓને નશાખોર હાલતમાં ઝડપી લીધા હતાં.

હોટલનાં મેનેજર સહિત ત્રણ શખ્સો પણ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતાં. સ્થળ પરથી કુલ 38 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં પાર્ટીમાં સામેલ અમુક મહિલાઓ પણ નશાખોર હાલતમાં મળ્યાની ચર્ચાઓ વહેતી થઇ હતી. જો કે એક પણ મહિલા સામે કેસ થયો નથી. 33 મહિલાઓને બ્રેથ એનેલાઇઝર મારફત ચેક કરી પોલીસે હાલના તબક્કે ક્લિનચીટ આપી દીધી છે.કન્સ્ટ્રકશન લાઇન સાથે સંકળાયેલા અને ભાજપનાં અનેક નેતાઓ સાથે ઘરોબો ધરાવતા ડેકોરા ગુ્રપનાં ચિરાગનો આગામી તા. 12 નવેમ્બરે જન્મદિવસ હતો. પરંતુ તે વખતે દિવાળીનાં વેકેશનને કારણે તેનું ગુ્રપ સામેલ નહીં થાય તેમ જણાતા ગઇકાલે એડવાન્સમાં સરાઝા હોટલમાં પાર્ટી યોજી હતી.

કદાચ ભાજપનાં નેતાઓ સાથેનાં ઘરોબાને કારણે જ ચિરાગને એવો વહેમ હતો કે તેનો કોઇ વાળ પણ વાંકો નહીં કરી શકે. આ જ કારણથી હોટલમાં દારૂની વ્યવસ્થા પણ રાખી હતી. હોટલનાં બીજા માળે બેન્કવેટ હોલમાં ખુલ્લેઆમ દારૂ પીરસવામાં આવ્યો હતો. પાર્ટી ચાલુ હતી ત્યારે રાત્રે 12 વાગ્યા પછી એલસીબીનાં સ્ટાફને બાતમી મળી હતી કે પાર્ટીમાં 100 મહિલાઓ અને પુરુષો હાજર છે અને દારૂની મહેફીલ ચાલી રહી છે.

પરિણામે એલસીબીના સ્ટાફે તાલુકા પોલીસ મથકેથી વધુ માણસો અને મહિલા પોલીસ મંગાવી દરોડો પાડયો હતો. પોલીસે જોયું તો પાર્ટીમાં ડીમલાઇટ અને મ્યુઝીક ચાલતું હતું. બેન્કવેટ હોલનાં વચ્ચેનાં ભાગે યુ આકારમાં ટેબલ ગોઠવાયેલા હતા. જેની ઉપર મહિલા અને પુરુષો બેઠા હતા અને દારૂની મહેફીલ માણી રહ્યા હતા. દરોડો પડયાની જાણ થતાં તમામમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે તમામને ઉભા રહેવાની સૂચના આપી મહિલા અને પુરુષોને અલગ કર્યા હતા.

ત્યારબાદ પાર્ટીનું આયોજન કરનાર ચિરાગની તપાસ કરતાં નશાખોર હાલતમાં હોટલમાં મળ્યો હતો. પાર્ટીમાં સામેલ બીજા 35 નબીરાઓ ઉપરાંત હોટલનાં મેનેજર સહિતનાં ત્રણ કર્મચારીઓએ પણ દારૂ પીધો હોવાનું સ્પષ્ટ થતાં તમામ 38 આરોપીઓ સાથે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પાર્ટીમાંથી પોલીસે અંગ્રેજી દારૂ, સ્કોચ-વ્હીસ્કીની ખાલી અને ભરેલી બોટલો મળી કુલ રૂા.17500ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. નાની-મોટી સાઇઝનાં 40 ખાલી અને ભરેલા ગ્લાસ મળ્યા હતાં. કાઉન્ટરની બાજુની ડસ્ટબીનમાંથી મોકટેલ, કોલ્ડ્રીંક્સનાં ખાલી ગ્લાસ મળી આવ્યા હતાં. પાર્ટીમાં હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બેન્કવેટ હોલમાંથી છૂટાછવાયા પડેલા પાંચ હુક્કા પણ મળી આવ્યા હતા.

ઝડપાયેલા નશાખોર નબીરાઓ કન્સ્ટ્રકશન, ધંધા, ટ્રેડીંગ સહિતનાં મોટા-મોટા બિઝનેસ સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી શહેરમાં ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં છાનાખૂણે આ પ્રકારની હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓ યોજાતી હતી. હવે ભાજપનાં નેતાઓ સાથેનાં સંબંધોને કારણે પોલીસ ખિસ્સામાં હોવાનું માનતા નબીરાઓએ ‘બેખોફ’ બની હોટલોમાં આ પ્રકારની પાર્ટીઓ યોજવાનું શરૂ કર્યાની છાપ ઉપસી રહી છે. ગઇકાલે રાત્રે ધરપકડ કરાયેલા તમામ નશાખોરોને તાલુકા પોલીસે બપોરે જામીન પર છોડી દીધા હતા.

રાજકોટ : સરાઝા હોટલની પાર્ટીમાં તમામ ગેસ્ટ, હોટલનાં સ્ટાફ, ડેકોરેશન, લાઇટીંગ, સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, સીંગર, ડીજેનું કામ કરતાં 98 જણા હતા. જેમાં 33 મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ 98 જણાનાં પોલીસે સિવિલમાં બ્લડ સેમ્પલ લેવડાવ્યા છે.
એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું કે, 38 આરોપીઓ બ્રેથ એનેલાઇઝરમાં જ નશાખોર હાલતમાં હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું. તે સિવાયની 33 મહિલાઓ, હોટલનાં સ્ટાફ અને અન્ય તમામને બ્રેથ એનેલાઇઝરની મદદથી ચેક કરાયા હતાં. જો કે તેમનાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
આ સ્થિતિમાં 38 નશાખોર ઉપરાંત તમામ 98 જણાને સિવિલમાં લઇ જઇ બ્લડ સેમ્પલ લેવડાવાયા છે. જો તેમાં કોઇએ નશો કર્યાનું ખુલશે તો કાર્યવાહી કરવામાં આવશે. પાર્ટીનું આયોજન ચિરાગ પટેલ અને તેના પિતરાઇ નિખીલ જમન પટેલે કર્યાની માહિતી મળી છે.

રાજકોટ : સરાઝામાં હાઇ-પ્રોફાઇલ પાર્ટી ઝડપાયાની જાણ થતાં જ પાર્ટીમાં સામેલ નબીરાઓના સગા-સંબંધીઓ અને રાહદારીઓના ટોળૈેેટોળા હોટલ બહાર ઉમટી પડતાં ઘણા સમયથી ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટોળાઓને હટાવી ટ્રાફિક જામ ક્લિયર કરાવ્યો હતો.
રાજકોટ : સરાઝા હોટલમાં યુ આકારના ટેબલ ઉપર કપલ્સ બેસી દારૂ, મોકટેલ અને કોલ્ડ્રીંક્સની મહેફીલ માણી રહ્યા હતાં. નજીકમાં જુદી-જુદી વાનગીઓનું કાઉન્ટર હતું. કોલ્ડ્રીંક્સ અને મોકટેલ માટે પણ અલગ કાઉન્ટર ઉભું કરાયું હતું. મ્યુઝીક માટેનું સ્ટેજ પણ જોવા મળ્યું હતું. અમુક ટેબલો ઉપર દારૂના ગ્લાસ અને અંગ્રેજી દારૂની બોટલ પણ જોવા મળી હતી. સૌથી પહેલા પોલીસે દારૂ પીરસતા હોટલના સ્ટાફમાં સામેલ હિતેન્દ્રસિંહ અને હર્ષવર્ધનસિંહને નશાખોર હાલતમાં ઝડપી લીધા હતાં. બંનેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી.

બેન્કવેટ હોલના મેનેજેર મનપ્રિતસિંઘને જોતા તેના મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી. પાર્ટીમાં હાજર 33 મહિલાઓે પૂછપરછમાં કોલ્ડ્રીંક્સ અને મોકટેલ પીધાનું જણાવ્યું હતું. લાઇટીંગ, સાઉન્ડ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફીનું કામ કરતાં તમામને બ્રેથ એનેલાઇઝરથી ચકાસાયા હતાં. જે સીંગર બોલાવાઇ હતી તેનો પણ ટેસ્ટ કરાવાયો હતો. પોલીસે વોશરૂમની પણ તલાશી લીધી હતી. પરંતુ ત્યાંથી કાંઇ વાંધાજનક મળી આવ્યું હતું. તમામની અંગજડતી પણ કરવામાં આવી હતી.
 
રાજકોટ : સરાઝા હોટલની પાર્ટીમાંથી હોટલનો મેનેજર મનપ્રીતસિંગ ધ્યાનસિંગ નશાખોર હાલતમાં મળ્યો હતો. આ ઉપરાંત ગેસ્ટને દારૂ પીરસતા હોટલના બે કર્મચારી હિતેન્દ્રસિંહ અને હર્ષવર્ધનસિંહ પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ચર્ચા જાગી છે.
આ સ્થિતિમાં હોટલના સ્ટાફને પણ દારૂ પીવાની પરવાનગી કોણે આપી હતી તે પોલીસ માટે તપાસનો વિષય છે. હોટલનો સ્ટાફ પણ નશાખોર હાલતમાં મળી આવતા દારૂની પાર્ટીથી વાકેફ હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હોટલના માલિક દારૂની પાર્ટી વિશે જાણતા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ કરાશે.

આ રીતે હોટલમાં દારૂની પાર્ટી યોજી શકાતી નથી. જે પોલીસે આપેલા લાયસન્સની શરતોનો ભંગ કરતી હોવાથી આ મુદ્દે હોટલનું લાયસન્સ રદ્ કે સસ્પેન્ડ પણ થઇ શકે છે. જો કે પોલીસ તેવી હિંમત કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.આ કેસમાં પોલીસે દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓની લકઝુરીયસ કાર કબજે કરી નથી. જે બાબતે પોલીસનું કહેવું છે કે કોઇ કારનો દારૂ લઇ આવવા માટે ઉપયોગ થયાનું જણાશે તો તેને કબજે લેવાશે. અત્યાર સુધીની તપાસમાં કાર કબજે લેવાની જરૂર જણાઇ નહીં હોવાથી કબજે કરાઇ નથી.આ પાર્ટી અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેની તપાસ માલવિયાનગર પોલીસ મથકને સોંપાઇ છે.
>ડ્રેસકોડ બ્લેક હતો, મહિલાઓએ એપ્રનથી ચહેરા છૂપાવવા પડયા
>રાજકોટ : સરાઝાની પાર્ટીમાં સામેલ મહિલાઓએ હોટલના એપ્રનથી પોતાના ચહેરા છૂપાવવા પડયા હતા. હોટલમાં જ તમામ 33 મહિલાઓના બ્રેથ એનેલાઈઝરથી પોલીસે ટેસ્ટ કર્યા હતા. જે નેગેટીવ આવતાં તમામ મહિલાઓને બ્લડ સેમ્પલ માટે પોલીસ સિવિલ લઈ આવી હતી. તે વખતે તમામ મહિલાઓએ પોતાના ચહેરા હોટલના એપ્રનથી છૂપાવેલા જોવા મળ્યા હતા. પાર્ટીમાં ડ્રેસકોડ બ્લેક હોય તેમ મોટાભાગના કપલ્સે બ્લેક કપડા પહેર્યા હતા.
>અંગ્રેજી દારૂ કોણ લઈ આવ્યું ? પોલીસને હજૂ ખબર જ નથી!
>રાજકોટ : સરાઝાની પાર્ટીમાં અંગ્રેજી દારૂની વ્યવસ્થા કોણે કરી હતી, તેનો જવાબ પોલીસે આપ્યો નથી. હજૂ તપાસ ચાલુ હોવાનું પોલીસ રટણ કરી રહી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓને હવે માલવીયાનગર પોલીસ નિવેદન માટે બોલાવે તેવી સંભાવના છે.
>વાહનો તો ઠીક પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન પણ કબજે ન કર્યા
>રાજકોટ : કોઈપણ જગ્યાએ ગેરકાનૂની પ્રવૃતિ સંબંધે પોલીસ દરોડા પાડે ત્યારે બનાવને સમર્થન આપતા પુરાવા કબજે કરી શકે છે. જેમાં મોબાઈલ ફોન, વાહનો વગેરેનો સમાવેશ થાય છે. સરાઝાની પાર્ટીમાંથી પકડાયેલા આરોપીઓની લકઝુરીયસ કાર્સ પોલીસે કબજે કરી ન હતી.
>આ માટે એવી દલીલ આપી હતી કે વાહનો કબજે કરવાની જરૂર જણાઈ નથી. પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન પણ કબજે નહીં કરતાં અનેક સવાલો ઉઠયા છે.
>જાણકાર પોલીસનું કહેવું છે કે મોબાઈલ ફોનમાંથી ‘પાર્ટી’ને સમર્થનકર્તા પુરાવા તરીકે ઈન્વીટેશન, ચેટ વગેરે મળી શકે તેવી સંભાવના હતી. આ સ્થિતિમાં આરોપીઓના મોબાઈલ ફોન કબજે કરી શકાયા હોત.
>આ પ્રકારની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસ દરોડા તો પાડે છે પરંતુ તેના પછી જે કાર્યવાહી કરે છે તેમાં હંમેશા શંકાઓ ઉપસ્થિત થાય છે અને આક્ષેપો પણ થાય છે. આ કેસમાં પણ તાલુકા પોલીસ સામે આરોપીઓ વગદાર, માલેતુજાર હોવાથી છાવર્યા સહિતના આક્ષેપો થયા છે.
>પોલીસે દરોડા પાડયાના પગલે ભલામણોના કોલ પણ ઉચ્ચ અધિકારીઓ ઉપર આવ્યાની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...