આણંદમાં પકડાયેલા રેલવે ભરતી કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા છે. પોલીસે બંને બંટી-બબલીને રિમાન્ડ પર લીધા બાદ મુખ્ય સૂત્રધાર તુષાર પુરોહિતના વડોદરાના મકાને છાપો મારી મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે.ભોગ બનેલાઓની સંખ્યા હજી વધશે તેમ મનાય છે.
ઉમરેઠના પણસોરા ગામના ધવલ પટેલની પત્નીને રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવવાના નામે ડિસેમ્બર-૨૦૨૫માં રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપી આઇકાર્ડ બતાવનાર તુષાર પુરોહિતે ફી પેટે રૃ.૩૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ લેખિત પરીક્ષા,ટ્રેનિંગ,પ્રેક્ટિકલ એક્ઝામ જેવા નામે કુલ રૃ.૫૫ હજાર પડાવ્યા હતા.પરંતુ આરોપીએ આપેલો ઓફર લેટર બોગસ નીકળતાં પોલીસ ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત બનાવમાં તુષાર પુરોહિતની સાથે ચકલાસીની સુલોચના કમલેશભાઇ પટેલ પણ સામેલ હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેની પણ ધરપકડ કરી બંનેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પોલીસની તપાસમાં અત્યાર સુધી ૧૦ જેટલા ઉમેદવારો સામે આવ્યા છે.જેમણે રૃ.સાત થી આઠ લાખ જેટલી રકમ ગુમાવી હોવાની માહિતી બહાર આવતાં પોલીસે તેમને પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરી છે.પોલીસની એક ટીમે તુષાર પુરોહિતના વડોદરાના ગોત્રી ખાતે આવેલા મકાનમાં સર્ચ કરતાં કેટલાક ડૂપ્લિકેટ રબર સ્ટેમ્પ્સ મળી આવ્યા હતા.પોલીસે સિક્કાઓ ઉપરાંત ઉમેદવારો પાસેથી વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ,અમદાવાદના ઓફર લેટર,આઇકાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરી તપાસ જારી રાખી છે.
રેલવે ભરતી કૌભાંડની તપાસ કરતી આણંદ સાયબર સેલને એવી માહિતી મળી છે કે,રેલવેમાં નોકરી અપાવવા માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષા સૂત્રધાર તુષાર પુરોહિતની મદદગાર અને રેલવેની અધિકારી તરીકે ઓળખાતી સુલોચના પટેલ(ચકલાસી,ખેડા)ના ઘેર લેવામાં આવી હતી.ઉમેદવારોને તેમના નામ જોગ પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યા હતા. જેથી પોલીસ લેખિત પરીક્ષામાં કેટલા ઉમેદવારો હાજર હતા તેની વિગતો મેળવી રહી છે.
રેલવે અધિકારી તરીકેનું બોગસ આઇકાર્ડ બનાવનાર તુષાર પુરોહિત ગુનાઇત ભૂતકાળ ધરાવતો હોવાની વિગતો પોલીસે જણાવી છે.મૂળ રાજપીપળાનો વતની તુષાર પુરોહિત સામે અગાઉ પણ ડૂપ્લિકેટ ટિકિટ ચેકર તરીકેનો કેસ થયો હતો.જ્યારે,ગોત્રી અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુના નોંધાયા હોવાની પોલીસને માહિતી મળી છે.જેથી આણંદ સાયબર સેલ દ્વારા વડોદરા પોલીસ પાસે વધુ વિગતો માગવામાં આવી છે.
