કેમિકલ પ્લાન્ટ માટે ૨૦૦ ઉંડા બોર બનાવતા ૧૫ ગામોના તળ સુકાયા

કેમિકલ પ્લાન્ટ માટે ૨૦૦ ઉંડા બોર બનાવતા ૧૫ ગામોના તળ સુકાયા

રાજુલાના વિકટર બંદર પર જીએસસીએલ અને જીએસીએલ કેમિકલ ફેક્ટરી આકાર લઇ રહી છે. પરંતુ આ યુનિટ દ્વારા મોટી સંખ્યામાં બોર બનાવી પાણી ખેંચતા જમીનના તળ ઉંડા ઉતર્યા છે અને ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. જ્યારે નિયમ મુજબ સીએસઆર ફંડ પણ ગ્રામજનોની સુવિધા માટે વપરાતું ન હોવાના આક્ષેપો થતા તપાસની માંગણી કરાઇ છે.

રાજુલાના વિકટર બંદર જીએસસીએલ પાસે ૫૦૦૦ એકર જેટલી જમીન હાલમાં છે. પરંતુ આ કંપની લોકોના આરોગ્ય પ્રત્યે બેદરકાર હોવાની રાવ ઉઠી છે. ૬૦ ટકા કામ પૂર્ણતાને આરે છે. ગુજરાત સરકાર દ્વારા મીઠાના ઉત્પાદન માટે જીએસસીએલ અને જીએસીએલને ફાળવાયેલી હજારો એકર જમીનમાં હાલ ગેરકાયદેસર રીતે બ્રોમીન અને અન્ય ઝેરી કેમિકલની વિશાળ ફેક્ટરીનું બાંધકામ થઇ ગયું છે. આમ કામ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમનો સીધો ભંગ કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ફેક્ટરી માટે અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ બોર ૫૦૦ થી ૮૦૦ ફુટ સુધી ઉંડા મારવામાં આવ્યા છે.

આ બોર દ્વારા દરરોજ ૨૦ થી ૨૫ લાખ લીટરથી વધુ ભુગર્ભ જળ ખેંચી લેવામાં આવે છે. કંપનીના આગામી પ્લાન મુજબ હજી ૩૦૦થી વધુ બોર બનાવાના બાકી છે. તેના કારણે રામપરા, કથિવદર, સાસ, ખેરા, શહીદ, ભંભાણ સહિત રાજુલા-જાફરાબાદના ૧૫ થી વધઉ ગામોના ખેડૂતોના કુવા અને બોર સુકાઇ ગયા છે. ખેતી બરબાદ થવાની અણી પર છે. મશીનથી મીઠાનું ઉત્પાદન શરૃ થતા હજારો અગરિયા પરિવારો બેકાર બન્યા છે. આ ઉપરાંત જીએસસીએલ દ્વારા સીએસઆરના નામે કરોડોનું ફંડ ફાળવાયું છે જેમાં રાજુલા તાલુકાના વિકાસ માટે ફાળવાયેલ અંદાજે ૩ કરોડ રૃપિયાનું સીએસઆર ફંડ રાજુલા-જાફરાબાદમાં વાપરવાને બદલે સૌથી વધુ ખાંભા તાલુકાના ડેડાણ અને ડુંગર ગામમાં વાપરી દેવામાં આવ્યું છે.

સીએસઆર હેઠળ આપવામાં આવતી આંબા અને કેરીની સરકારી નર્સરીમાંથી છોડ લેવાને બદલે બહારથી નબળી ગુણવત્તાના છોડ ખરીદવામાં આવે છે. લાભાર્થીઓને આપવામાં આવતી કીટ અને અન્ય વસ્તુઓ પણ બિનગુણવત્તાયુક્ત છે. આ સમગ્ર બ્રોમીન ફેક્ટરી અને સીએસઆરના ભ્રષ્ટાચાર સામે રાજુલા-જાફરાબાદના ગ્રામજનો, ખેડૂતો અને અગરિયા આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે જીએસસીએલ અને જીએસીએલ દ્વારા કરવામાં આવેલ જમીનના હેતુફેર અને સીએસઆર ફંડના દુરૃપયોગની તાત્કાલિક તપાસ કરવામાં આવે. ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીનું કામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને અત્યારના ૨૦૦ બોર સીલ કરી નવા બોર બનાવવા પર પ્રતિબંધ મૂકવા વિકટર ગામના આગેવાન એવા રણછોડભાઇ બાંભણિયાએ આક્ષેપ સાથે માંગણી કરી છે. આ ઉપરાંત મુજબ જમીન તથા સીએસઆર ફંડ ક્યાં વાપર્યું ? જે અંગે પણ તપાસની માંગણી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...