બોર્ડર ઓળંગી અને સવારે મોતનું પૂર, મુંબઈ-ગુજરાતના 43 કચ્છી યાત્રાળુઓ પૂર પહેલાં માનવસરોવરથી સુરક્ષિત પરત

બોર્ડર ઓળંગી અને સવારે મોતનું પૂર, મુંબઈ-ગુજરાતના 43 કચ્છી યાત્રાળુઓ પૂર પહેલાં માનવસરોવરથી સુરક્ષિત પરત

નેપાળની ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ ભારે તારાજી સર્જાઈ છે, પરંતુ સદ્ભાગ્યે મુંબઈ અને ગુજરાતના 43 કચ્છીઓ તથા 25 એનઆરઆઈ મળીને કુલ 68 યાત્રાળુઓ હોનારત પહેલાં જ સરહદ ઓળંગી જતાં સંપૂર્ણ સુરક્ષિત છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળેલી આ ટુકડીએ નેપાળ-ચીન (તિબેટ) સરહદ પર આવેલા ઈમિગ્રેશન સેન્ટર ખાતે મંગળવારે (25મી ઓગસ્ટ) સાંજે ગ્રૂપ ફોટો લીધો હતો. તેના ગણતરીના કલાકોમાં જ બુધવારે (26મી ઓગસ્ટ) સવારે આ વિસ્તારમાં પૂરના કારણે તબાહી મચી ગઈ હતી. ભુજના ટૂર ઓપરેટર દ્વારા આયોજિત આ પ્રવાસના તમામ યાત્રાળુઓ હાલ તિબેટમાં સલામત છે અને નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યા છે.

ભુજના ટૂર ઓપરેટર શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળ મુંબઈ, અમદાવાદ અને ભુજના 43 કચ્છીઓ તથા 25 એનઆરઆઈ સહિત 68 પ્રવાસીઓનો સમૂહ 21મી ઓગસ્ટે કૈલાસ માનસરોવરની યાત્રા માટે રવાના થયો હતો. આ ટુકડી નેપાળના રસુવા જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાંથી પસાર થઈ હતી, જ્યાં પાછળથી પૂરનું તાંડવ ખેલાયું હતું. પ્રવાસીઓએ કુદરતી સૌંદર્ય ધરાવતા પ્રસિદ્ધ ‘ફ્રેન્ડશિપ બ્રિજ’ પરથી સરહદ ઓળંગી હતી. કમનસીબે, યાત્રાળુઓ પસાર થયા બાદ આવેલા પૂરમાં આ બ્રિજ અને ચીન ઈમિગ્રેશન ઓફિસ તબાહ થઈ ગયાં હતાં. મંગળવારે સાંજે સરહદ ઓળંગતી વખતે યાત્રાળુઓએ આ ઈમિગ્રેશન ઓફિસ પાસે યાદગાર તસવીરો લીધી હતી.

ટૂર ઓપરેટરના જણાવ્યાનુસાર, યાત્રાળુઓની ટુકડી મંગળવારે સાંજે સરહદ ઓળંગીને તિબેટ તરફ આગળ વધી ગઈ હતી. તેના આશરે 14થી 15 કલાક બાદ બુધવારે સવારે નવ વાગ્યાના સુમારે ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરને કારણે સરહદી વિસ્તારમાં ભારે વિનાશ વેરાયો હતો. પ્રવાસીઓ જે તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાંથી પસાર થયા હતા, ત્યાં મોટા ભાગના સ્થળે તબાહી મચી છે.

હાલમાં તમામ 68 યાત્રાળુઓ તિબેટના સાગા શહેરની એક હોટેલમાં સુરક્ષિત છે. ગુરુવારે (27 ઓગસ્ટ) તેઓ નિર્ધારિત શિડ્યુલ મુજબ કૈલાસ માનસરોવરની આગળની યાત્રા પર રવાના થશે અને 4 સપ્ટેમ્બરે પરત ફરશે. હોનારતના સ્થળેથી સુરક્ષિત રીતે આગળ વધી ગયેલા તમામ યાત્રાળુઓ ક્ષેમકુશળ હોવાથી તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...