સોમાતળાવ તરસાલી રિંગરોડ અમરશ્રદ્ધા વુડાના મકાનમાં રહેતા યુવકો વચ્ચે ચાર દિવસ અગાઉ થયેલા ઝઘડામાં સમાધાન માટે બોલાવી ૨૬ વર્ષના યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોમા તળાવ તરસાલી રિંગરોડ પર અમરશ્રદ્ધા વુડાના મકાનમાં રહેતો દરબાર મેહુલ ભારતસિંહ ( ઉં.વ.૨૬) મૂળ પ્રતાપનગર નજીક રામનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ચાર દિવસ અગાઉ મેહુલ અને તેના મિત્રોને વુડાના મકાનમાં રહેતા યુવકો સાથે ઝઘડો થયો હતો. તે ઝઘડા બાબતે સમાધાન કરવા માટે આરોપીઓએ ફોન કરીને મેહુલને બોલાવ્યો હતો. આરોપીઓના ઉપરાછાપરી કોલ આવતા હોઇ મેહુલ ત્યાં ગયો હતો. તે દરમિયાન ૧૦ થી ૧૨ લોકોના ટોળાએ તેને ઘેરી લીધો હતો. જે પૈકી વિજય , માનવ તથા પદમે તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરે ચાકૂના ત્રણ ઘા છાતીના નીચેના ભાગે મારી દેતા મેહુલ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો.
હુમલાની જાણ મેહુલના અન્ય મિત્રોને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તેઓને આવતા જોઇ આરોપીઓ ભાગી ગયા હતા.મકરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી માનવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, જીવ ગુમાવનાર મેહુલની આજે જ બર્થડે હતી.
બર્થડેના દિવસે જ યુવકને સમાધાન માટે બોલાવી હત્યા
