બેંગકોક નજીક આવેલી એક શાળામાં શુક્રવારે (સાતમી ઓગસ્ટ) અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોન્થાબુરીના બાંગ ક્રુઇ જિલ્લામાં આવેલી ડેબસિરિન નોન્થાબુરી સ્કૂલમાં જ વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક શિક્ષક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અહેવાલો અનુસાર,, હુમલાખોર વિદ્યાર્થી તે જ શાળામાં ધોરણ નવમા અભ્યાસ કરતો હતો, જેની ઉંમર આશરે 14 વર્ષની હોવાનું કહેવાય છે. શાળા ચાલુ હતી, આ દરમિયાન કેમ્પસમાં અચાનક ફાયરિંગનો અવાજ ગુંજી ઊઠ્યો હતો. ગોળીબાર થતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવ્યા હતા.
હુમલાખોર વિદ્યાર્થીનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જો કે, તેણે પોતે ગોળી મારીને આપઘાત કર્યો છે કે, પછી પોલીસની વળતી કાર્યવાહીમાં તે માર્યો ગયો છે તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ઈજાગ્રસ્ત થયેલા 15 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
થાઇલેન્ડમાં બંદૂક સંબંધિત કાયદા ખૂબ જ કડક ગણાય છે અને ગેરકાયદે હથિયાર રાખવા બદલ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. આમ છતાં દેશમાં ગોળીબારની ઘટનાઓએ ચિંતા વધારી રહ્યા છે.
ફેબ્રુઆરી 2026માં દક્ષિણ થાઇલેન્ડના હાત યાઇ જિલ્લાની એક શાળામાં થયેલા ગોળીબારમાં એક શિક્ષકનું મોત થયું હતું અને એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. ઓક્ટોબર 2022માં નોંગ બુઆ લામ્ફુ પ્રાંતમાં એક પૂર્વ પોલીસ અધિકારીએ બંદૂક અને છરી વડે હુમલો કરીને અનેક નાના બાળકો સહિત અનેક લોકોની હત્યા કરી હતી. તાજેતરમાં ઘટેલી આ ઘટના બાદ થાઇલેન્ડમાં શાળાઓની સુરક્ષા અને સગીરો સુધી હથિયારો પહોંચવા અંગે સવાલો ઊભા થયા છે.
