પશ્ચિમ એશિયાના અત્યંત સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓએ વૈશ્વિક સ્તરે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાવ્યો છે અને દરિયાઈ ક્ષેત્રમાં વધતા તણાવ સામે ચિંતા વ્યક્ત કરી છે. આ જહાજ પર ઉપસ્થિત મોટાભાગના ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા, જેના કારણે સમગ્ર મામલો ભારત માટે પણ સંવેદનશીલ બની ગયો છે.
ઓમાન તટ નજીક કમર્શિયલ જહાજ ‘MT El Gaia’ પર હુમલો થયો હતો. આ જહાજ પર કુલ 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 13 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 1 ભારતીય નાવિક હજુ પણ લાપતા છે.
અમે ઓમાન તટ નજીક કોમર્શિયલ જહાજ MT El Gaia પર થયેલા હુમલાની સખત નિંદા કરીએ છીએ. જહાજ પર સવાર 14 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી અત્યાર સુધીમાં 13 ભારતીયોને બચાવી લેવાયા છે. લાપતા ભારતીય નાગરિક માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. ઓમાનમાં સ્થિત અમારું દૂતાવાસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ઓમાન પ્રશાસન સાથે સંકલન સાધી રહ્યું છે. — વિદેશ મંત્રાલય (MEA), ભારત સરકાર
ભારતીય વિદેશ મંત્રાલયે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓમાન દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ તેમનો આભાર પણ માન્યો હતો.
