સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનું કૌભાંડ, 4ની ધરપકડ

અમદાવાદ શહેરમાં PCB દ્વારા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હલીમની ખડકી પાસે મઢવાળાની પોળમાં એક મકાન પર રેડ પાડીને પોલીસે સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવવાનું કારસ્તાન પકડી પાડ્યું છે. આ 4 શખસને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, પહેલી ઓગસ્ટના રોજ PCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે શાહપુરમાં ભગવતી દવાખાના સામે આવેલા મઢવાળાની પોળના ઘર નંબર 2230માં દરોડા પાડ્યા હતા. આ મકાનમાં આરોપીઓ દ્વારા સસ્તી બ્રાન્ડના ખુલ્લા દારૂમાં વિવિધ ફ્લેવર ઉમેરીને તેને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરવામાં આવતો હતો. ત્યારબાદ બોટલ પર અસલ જેવા દેખાતા બ્રાન્ડેડ બૂચ અને સ્ટીકરો લગાવી, હેર ડ્રાયરની મદદથી તેને પેકિંગ કરીને બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી 4 આરોપીઓ – મંદિપ ભાવસાર (શાહપુર), કૈલાશ બોડાણા (માધુપુરા), દેવ પટેલ (શાહપુર) અને દેવાંગ જાની (શાહપુર)ની ધરપકડ કરી છે.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 227 શીલબંધ બોટલો તથા બે અલગ-અલગ કેરબામાં રહેલ કુલ 22 લિટર ખુલ્લો વિદેશી દારૂ કબજે કર્યો છે. આ ઉપરાંત મોંઘી બ્રાન્ડની 127 ખાલી બોટલો, 100 બૂચ, 118 નકલી સ્ટીકર, હેર ડ્રાયર, ફ્લેવરની 5 બોટલો, 5 મોબાઈલ ફોન અને અંગ ઝડતીના રોકડા 11,160 રૂપિયા મળીને કુલ 1,56,410 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ મકાનનો વપરાશ કરનાર અને લિસ્ટેડ બુટલેગર વીક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો ચૌહાણ રેડ દરમિયાન ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...