અમદાવાદ શહેરમાં પીસીબી દ્વારા બાતમીના આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ અને વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂની આ હેરાફેરી લક્ઝરી બસ અને ટેમ્પા મારફતે કરવામાં આવી રહી હતી. પીસીબીની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય ચાર શખસો ફરાર થઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી વાહનો અને દારૂ સહિત કુલ 26.91 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, શહેરકોટડાના ડી કોલોની રોડ પર મારુતિ ટ્રાવેલ્સના પાર્કિંગની બાજુમાં આવેલા પુજાલાલ નથુલાલના ખુલ્લા પ્લોટમાં લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1432 બોટલો મળી આવી હતી. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી 3,350 રોકડા રૂપિયા, એક લક્ઝરી બસ, લોડિંગ ટેમ્પો, એક નંબર વગરનું બાઈક અને 1 મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. આમ, પોલીસે કુલ 26.91 લાખ રૂપિયાથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે સ્થળ પરથી મોહસીન શેખ (ઉં.વ. ૩૧, રહે. વટવા, અમદાવાદ – લક્ઝરી બસ ચાલક) મકતુરામ વણઝારા (ઉં.વ. ૩૨, રહે. નારોલ, અમદાવાદ)ની ધરપકડ કરી છે. જ્યારે રેડ દરમિયાન અન્ય 4 આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા, જેમાં ભીલવાડાના સમીર ઉર્ફે અનીશ, દારૂનો જથ્થો મોકલનાર રાજસમંદ જિલ્લાના રાપચા ગામનો શખસ, બાઈકચાલક દોલત પીન્ટુ વણઝારા (રહે. અમરાઈવાડી) અને બસના કંડક્ટર ગોપાલનો સમાવેશ થાય છે. પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસના નાક નીચે વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું, બેની ધરપકડ અને ચાર ફરાર
