હેરસ્ટાઇલિંગ અને ગ્રૂમિંગમાં પૈસાનો ધુમાડો! ઈઝરાયલના PMના મેકઅપ પાછળ કરોડોનો ખર્ચ

હેરસ્ટાઇલિંગ અને ગ્રૂમિંગમાં પૈસાનો ધુમાડો! ઈઝરાયલના PMના મેકઅપ પાછળ કરોડોનો ખર્ચ

ઇઝરાયલમાંથી માહિતી અધિકાર (FOI) હેઠળ બહાર આવેલા આંકડાઓએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જાન્યુઆરી 2019 થી ઓગસ્ટ 2026 વચ્ચે વડાપ્રધાનોના હેરસ્ટાઇલ, મેકઅપ અને સત્તાવાર પ્રતિનિધિત્વ પાછળ કુલ 470,000 ડૉલર (આશરે 4.49 કરોડ રૂપિયા) ખર્ચવામાં આવ્યા છે. આ જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, આ કુલ ગૃમિંગ ખર્ચનો લગભગ 90 ટકા હિસ્સો બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા નેતન્યાહૂના નામે રહ્યો છે. આ ખુલાસાથી પબ્લિક ફંડના ઉપયોગ અને પારદર્શિતા પર ફરીથી સવાલો ઉભા થયા છે.

ડેટા દર્શાવે છે કે બેન્જામિન નેતન્યાહૂ ફરીથી સત્તામાં આવ્યા બાદ હેરસ્ટાઇલ અને મેકઅપનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે. વર્ષ 2022 માં જ્યારે નેફાલી બેનેટ અને યૈર લેપિડ વડાપ્રધાન હતા, ત્યારે હેરસ્ટાઇલ અને મેકઅપ પાછળનો સંયુક્ત ખર્ચ માત્ર 84,000 શેકેલ (આશરે 26.34 લાખ રૂપિયા) હતો. નેતન્યાહૂ સત્તામાં પરત ફર્યા બાદ વર્ષ 2023 માં આ ખર્ચ વધીને 311,000 શેકેલ (આશરે 97.52 લાખ રૂપિયા) થઈ ગયો. જ્યારે વર્ષ 2025 માં સૌથી વધુ આશરે 111,000 ડૉલર માત્ર હેરસ્ટાઇલ અને મેકઅપ પાછળ ખર્ચવામાં આવ્યા હતા.

ઓવરસીઝ અથવા વિદેશી પ્રવાસો દરમિયાન થયેલા ખર્ચના આંકડા પણ ચોંકાવનારા છે. ફેબ્રુઆરી 2025 માં નેતન્યાહૂની વોશિંગ્ટન ડીસીની 4 દિવસીય મુલાકાત દરમિયાન માત્ર હેરસ્ટાઇલ અને મેકઅપ પાછળ આશરે 13,500 ડૉલરનો ખર્ચ થયો હતો. આ ઉપરાંત, સત્તાવાર પ્રતિનિધિત્વ ખર્ચ (જેમાં કપડાં અને હોસ્ટિંગ સામેલ છે) માં પણ નેતન્યાહૂએ આ સમયગાળા દરમિયાન આશરે 134,000 ડૉલર ખર્ચ્યા હતા. સરખામણી કરીએ તો બેનેટનો પ્રતિનિધિત્વ ખર્ચ 19,000 ડૉલર અને લેપિડનો ખર્ચ 2,600 ડૉલરની આસપાસ રહ્યો હતો.

મૂવમેન્ટ ફોર ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન દ્વારા ડિસેમ્બર 2025 માં દાખલ કરવામાં આવેલી અરજી બાદ આ વિગતો બહાર આવી છે. સંગઠને વડાપ્રધાન કાર્યાલય પર માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. સુરક્ષા કારણોસર હેરડ્રેસર્સ અને મેકઅપ આર્ટિસ્ટના નામ દસ્તાવેજોમાં રદ (રેડક્ટ) કરવામાં આવ્યા છે. ટ્રાન્સપેરન્સી ગ્રુપે સ્પષ્ટ કર્યું છે કે સરકારી નાણાં એ વ્યક્તિગત નાણાં નથી, તેથી અધિકારીઓએ તેમાં વધુ જવાબદારી અને પારદર્શિતા જાળવવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...